અમરેલીના જાળીયા ગામેથી માનવતાને શરમાવે તેવી ઘરેલુ હિંસાની ઘટના સામે આવી છે. ઘરખર્ચ માટે પતિ પાસે પૈસા માંગવા જેવી સામાન્ય બાબતે પરિણીતા પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે પતિ સહિત સાસરી પક્ષના ત્રણ સભ્યો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ અંગે વિલાસબેન વિક્રમભાઇ ચાવડા (ઉ.વ. ૩૩)એ પતિ વિક્રમભાઇ ચાવડા, સસરા ગોવિંદભાઇ ચાવડા તથા સાસુ દયાબેન ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ તેના પતિ પાસે ઘરના કામકાજ માટે પૈસાની માંગણી કરી હતી, જે વાત પતિને અકળાવી ગઈ હતી. ઉશ્કેરાયેલા પતિએ આવેશમાં આવી પોતાની પત્નીને માથાના તેમજ વાંસાના ભાગે ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો. પતિએ તેના વાળ પકડી જમીન પર ઢસડી હતી અને અત્યંત અભદ્ર ગાળો આપી હતી.પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકતા કહ્યું હતું કે, “તૂ તારા માવતરના ઘરે જતી રહે.” આ દરમિયાન સસરા-સાસુએ પણ તેને સહકાર આપવાને બદલે અવારનવાર ગાળો આપી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો.