અમરેલીના ચિત્તલ રોડ પર આવેલી પોસ્ટલ સોસાયટીમાં બ્લોક નંબર ૩૩ થી ૩૬ વિસ્તારમાં ગટર જામ થવાની સમસ્યા છેલ્લા એક માસથી વકરી છે. વારંવારની રજૂઆતો બાદ બે દિવસ પૂર્વે નગરપાલિકાનો સ્ટાફ પ્રેશર મશીન સાથે આવ્યો ખરો, પરંતુ જૂના ઢાંકણા તોડીને અધૂરી કામગીરી મૂકી ‘મોટા મશીનની જરૂર પડશે’ તેમ કહી ચાલતી પકડતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
નવાઈની વાત તો એ છે કે આળસુ કર્મચારીઓએ ગટરની સફાઈ કર્યા વગર જ રાતોરાત નવા ઢાંકણા ફિટ કરી દઈ પોતાની કામગીરી પૂર્ણ થયાનો સંતોષ માની લીધો છે. પાલિકા તંત્રની આ ગંભીર બેદરકારી અને નફફટાઈને કારણે વિસ્તારમાં ગટરના ગંદા પાણીની સમસ્યા યથાવત રહી છે, જેનાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં સોસાયટીના સભ્યો દ્વારા આ કામચોર અને બિનજવાબદાર કર્મચારીઓ સામે સખત શિક્ષાત્મક પગલાં લેવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે.