અમરેલી જિલ્લાના ચિતલ ગામ અને સીમ વિસ્તારમાં શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે, જેમાં બે બાળકો પર હુમલો થયો છે. આ ઘટનાઓમાં એક અઢી વર્ષની બાળકી રીંકુનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક ચાર વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રથમ બનાવ ચિતલ ગામના સીમ વિસ્તારમાં બન્યો હતો. ખેતમજૂરી કરતા પરિવારની અઢી વર્ષની બાળકી પર શ્વાને હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવથી પરિવાર અને ગ્રામજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. બીજો બનાવ જસવંતગઢ ગામના પ્લોટ વિસ્તારમાં બન્યો હતો. અહીં એક ચાર વર્ષના બાળક કુલદિપ ચૈહાણ પર શ્વાને હુમલો કરી બચકા ભરતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. જયારે મગનભાઈ લીંબાસીયા નામના આધેડને પણ શ્વાને બટકા ભર્યા હતા. શ્વાનના હુમલાની ઘટનાઓને લઈ સ્થાનિક લોકોમાં ભારે દહેશત વ્યાપી છે. ગ્રામજનો દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ આ હિંસક શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.








































