ખાણ ખનીજ વિભાગને ઉંઘતુ રાખી તાલુકા પોલીસ રેતીચોરો પર ત્રાટકી, રૂ.૮ર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અમરેલી તાલુકાના ચાંપાથળ ગામ પાસે શેત્રુંજી નદીના પટમાં ચાલતા સૌથી મોટા રેતીચોરી કૌભાંડનો અમરેલી તાલુકા પોલીસે પર્દાફાશ કર્યો છે. ગેરકાયદેસર ખનન કરતા ૬ ડમ્પર, ૧ ટ્રેક્ટર, ૨ જેસીબી અને ૧ લોડર સહિત ૧૦થી વધુ વાહનોને પોલીસે ઝડપી પાડ્‌યા હતા. તાલુકા
પી.આઈ. ઓમદેવ સિંહ જાડેજાની ટીમે રૂ.૮૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કાર્યવાહીથી રેત માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્રે નોંધનીય છે કે શેત્રુંજી નદીના પટમાં રેતીચોરીની ફરિયાદો સતત વધતી હોવા છતાં, અમરેલીના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ નિષ્ક્રિય હોવાનું અને તેઓ ઊંઘતા ઝડપાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

૮૭ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
અમરેલી તાલુકા પોલીસને બાતમી મળી કે ચાંપાથળ ગામમાં શેત્રુંજી નદીમાં ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે જેથી પોલીસે ખાણ-ખનીજ વિભાગને ઉંઘતુ રાખી રેઈડ કરી હતી જેમાં પોલીસે ૧૦ કરતા વધુ વાહનો ઝડપી પાડ્યા હતા. આ તમામ વાહનો અને રેતી મળી પોલીસે કુલ રૂ.૮૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બાબાપુરથી લઈ ક્રાંકચ સુધી બેફામ થઈ રહેલી રેતીચોરી
અમરેલી તાલુકાના બાબાપુર ગામથી છેક લીલીયાના કાંક્રચ ગામ સુધી રેત માફિયાઓએ શેત્રુંજી નદીને ચીરી નાખી છે. હાલરીયામાંથી પણ રેતીચોરી થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. રેતચોરોને પોલીસનો કંઈ જ ડર ન હોય તેમ બેફામ રેતીચોરી કરી રહ્યાં છે. જા કે અમરેલી તાલુકા પોલીસે રેતીચોરી કરતા ૧૦ કરતા વધુ વાહનોને ઝડપી પાડતા રેતીચોરી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે.