તસ્કરોએ પીજીવીસીએલના વીજપોલ બનાવતી કંપનીમાં ખાતર પાડ્યુ હતુ
પોલીસે ૫.૫૭ લાખના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્‌યા

અમરેલી તાલુકાના ગાવડકા રોડ પર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, પોલીસે કુલ સાત આરોપીઓમાંથી પાંચ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમરેલીના ગાવડકા રોડ પર ગત તા. ૩૦ ના રોજ રાત્રિના સમયે ક્રિષ્ના એન્જિનિયરિંગ કંપની નામની પીજીવીસીએલના સિમેન્ટ ક્રોકિટના વીજપોલ બનાવતી ફેક્ટરીમાં દરવાજાનું તાળું તોડી ફેક્ટરીમાંથી સીમેન્ટ કોંક્રિટના વીજપોલ બનાવવાનો સામાનની ચોરી કરવામાં આવી હતી. જે અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને આધારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ના પી.આઈ જાડેજાના માર્ગદર્શન નીચે સીસીટીવી કેમેરાની મદદથી અને પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે પોલીસને આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે. પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્‌યા છે જેમાં જગદીશ કરમશી વાઘેલા,સાહિલ રમેશ સોલંકી, ભાવેશ કાનજી સોલંકી, સંજય કરમશી પરમાર, સંજય રમેશ પ્રજાપતિ રહે. તમામ અમરેલી વાળાનો સમાવેશ થાય છે.
જ્યારે રાજુ કાનજી પરમાર અને મનોજ ઉકા સોલંકી પોલીસ પકડથી દૂર છે. પોલીસે આરોપીઓ પાસેથી લોખંડના વાઈબ્રેટર નંગ બે, વેલ્ડીંગ પેટી નંગ બે ,ઇલેક્ટ્રીક મોટર નંગ ૬, પાણીની મોટર નંગ ૧, ઈલેક્ટ્રિક કેબલ વાયર, લોખંડનો ભંગાર તેમજ મહેન્દ્રા બોલેરો પીકઅપ વાહન મળી કુલ રૂપિયા ૫.૫૭ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.