અમરેલીના ખીજડીયા રાદડીયા ગામની સીમમાં ચૂંદડી થ્રેસરના પંખામાં આવી જતાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બનાવ અંગે મળતી વિગત મુજબ, આ ઘટના ત્યારે બની ત્યારે વાડીમાં થ્રેશર મશીનનું કામ ચાલી રહ્યું હતું. થ્રેસર પર બેઠેલા કામ કરતા માણસોએ પાણી માંગ્યું હતું. ભોગ બનનાર યુવતી તેમને પાણી આપવા માટે ગઈ હતી. પાણી આપવા જતી વખતે, યુવતીના ગળામાં રહેલી ચૂંદડી અચાનક થ્રેસરના ફરતા પંખામાં આવી ગઈ હતી. ચૂંદડી પંખામાં ફસાતા યુવતી ખેંચાઈ ગઈ હતી.ચૂંદડી ખેંચાવાના કારણે યુવતીનું ગળું થ્રેશરના પંખાની નજીક રહેલી એંગલ સાથે અથડાયુ હતું. એંગલ ગળાના પાછળના ભાગે વાગવાથી મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત થતાં જ તાત્કાલિક ભોગ બનનારને સારવાર માટે પ્રથમ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ઈજાની ગંભીરતાને જોતાં વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. હાલમાં ભોગ બનનાર યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.ડી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.




































