ખડખંભાળીયા ગામની સીમમાં ખેતીની જમીનના સોદા બાબતે ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નવી રાખેલી જમીનમાં ખેડકામ કરી રહેલા શખ્સો પર એક શખ્સે હાથમાં તલવાર લઈને હુમલો કરી, ગાળાગાળી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. બનાવ અંગે જુનાગઢના ભેંસાણ તાલુકાના ગળથ ગામના દેવેન્દ્રભાઇ અનકભાઇ બચીયા (ઉ.વ.૩૫)એ ખડખંભાળીયા ગામના ભાભલુભાઇ સુરગભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ અને સાહેદે ખડખંભાળીયા ગામના રહેવાસી જયદીપભાઈ વાળા પાસેથી ખેતીની જમીન વેચાણથી લીધી હતી. જ્યારે તેઓ આ જમીનમાં ‘પાચીયુ’ હાંકી રહ્યા હતા, ત્યારે આરોપી અચાનક હાથમાં તલવાર લઈને વાડીમાં ધસી આવ્યો હતો. વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરતાં આરોપીને તેમણે રોકતા જણાવ્યું હતું કે, અહીં વાડીમાં પ્રવેશતા નહીં, અહીં તમારું કાંઈ નથી. એટલું જ નહીં, આરોપીએ સમાધાન માટે શરત મુકતા કહ્યું હતું કે જો તેને ૧૦ વીઘા જમીન કાઢી આપવામાં આવે તો જ તે મામલો થાળે પાડશે. આ ઉપરાંત આરોપીએ તમો તો બહાર ગામના છો, અહીં બીજી વાર આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે.ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.









































