અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ ‘કોફી વીથ કલેક્ટર’ને કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની પૂસ્તિકામાં સ્થાન મળ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લાના રમત ગમત, શિક્ષણ, કળા, સાહિત્ય વગેરે ક્ષેત્રે સિદ્ધીઓ હાંસલ કરેલ દીકરીઓને જિલ્લા કલેકટર સાથે સંવાદ કરવાની તક પ્રાપ્ત થઈ હતી. આ કાર્યક્રમની નોંધ કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની પૂસ્તિકા ‘કમ્પેડીયમ ઓફ બેસ્ટ પ્રેક્ટિસ’ બેટી બચાઓ બેટી પઢાઓમાં લેવામાં આવી છે. આ પુસ્તિકામાં દેશમાં થયેલી સૌથી શ્રેષ્ઠ પહેલની નોંધ લેવામાં આવી છે. આ પુસ્તિકા સમગ્ર દેશમાં અધિકારીઓને મોકલવામાં આવશે જે અમરેલી જિલ્લા માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે, તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.










































