અમરેલી નગરપાલિકા શહેરની સુવિધા વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. શહેરના વિવિધ માર્ગોની કાયાપલટ કરવા માટે નવા માર્ગોની કામગીરી શરૂ કરવામાં આવી છે તો કેરીયા રોડ પર નવા માર્ગની બાજુમાં બ્લોક નાખવાનું કામ શરૂ થતા કેરીયા રોડની સુવિધામાં વધારો થશે. અમરેલીના કેરીયા રોડ પર નવા માર્ગ બનતા વિસ્તારવાસીઓને રાહત થઈ હતી. જો કે થોડા મહિના પહેલા કેરીયા રોડ પર જ પાલિકા દ્વારા બાળ ક્રિડાંગણ બનાવવામાં આવતા બાળકો માટે રમત-ગમત અને સિનિયર સિટીઝનો માટે આનંદ પ્રમોદનું વાતાવરણ બની રહ્યુ છે. છેલ્લાં ચાર દિવસથી કેરીયા રોડની બાજુમાં પાલિકા દ્વારા રસ્તાની સફાઈ કરી બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે કેરીયા રોડની બાજુમાં ગંદકીના ગંજ ખડકાયા હતા. કચરાના ઢગલા તેમજ કાદવ-કિચડ હોવાથી રાહદારીઓને ત્યાંથી પસાર થવુ મુશ્કેલ બન્યુ હતું. આ માર્ગ પર રાત્રીના સમયે વોકિંગ કરવાવાળા લોકોની સંખ્યા વધારે હોય છે ત્યારે ગંદકી અને કિચડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. અમરેલી પાલિકાએ લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે કેરીયા રોડની બાજુમાં બ્લોક નાખવાની કામગીરી શરૂ થતા વિસ્તારવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.