અમરેલીની કમાણી સાયન્સ કોલેજનાં પ્રાધ્યાપક ડા. જ્વલંત જે. ત્રવાડીનાં નેતૃત્વમાં કરાઓકે ગાયકોએ આર્મી વેલ્ફેર ફંડ એકત્રિત કરવાનો સંકલ્પ કર્યો હતો. આ ફંડ એકત્ર કરવા કમિટીનાં સભ્યોએ છેલ્લા એક સપ્તાહથી જુદી જુદી સોસાયટીઓ, માર્કેટ, ઓફિસોમાં ફરીને સૈનિક સેવા યજ્ઞની જહેમત ઉઠાવી હતી. તેમણે આ ફંડ બોક્સમાં રોકડ રકમ તથા ઓનલાઇન માધ્યમથી એકત્ર કર્યું હતું. પ્રજાસત્તાક દિવસે સવારે જૂના માર્કેટિંગ યાર્ડમાં “સૈનિક સેવા રથ” સાથે કરાઓકે સંગીત દ્વારા સૈન્ય સેવા રેલીની શરૂઆત થઇ હતી.
આ રેલી શહેરનાં જુદા જુદા રાજમાર્ગો ઉપર ફરી હતી અને સ્વયંસેવકોએ ફંડ એકત્ર કર્યું હતું. રેલી દરમિયાન ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા જેવા મહાનુભાવોએ પણ યોગદાન આપ્યું હતું. સાત દિવસનાં સમગ્ર સેવાયજ્ઞ દરમિયાન કિશન ખેર, વિજય સોલંકી, જતીન શેઠ, રશ્મીબેન પરમાર, દીપક ભટ્ટ, પ્રિયકાન્ત વાઘેલા, આશિષ મકવાણા, કાશ્મીરાબેન સોની તથા અન્ય સભ્યોએ ખૂબ જ જહેમત ઊઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં કલેરીટી ફિન વેસ્ટ, પ્યોર પ્લસ સીંગતેલ ઓઇલ, મધુવન ગોલ્ડ આર્ટ અને શીતલ આઇસક્રીમનું પણ આર્થિક યોગદાન મળ્યું હતું. તારીખ ૨૭ સાંજ સુધીમાં રૂ. ૭૭,૭૭૭નું ફંડ એકત્ર થયું હતું અને તેને ભારત સરકારનાં પોર્ટલ “ભારત કે વીર” ઉપર ભારતીય સેના, શહીદોને અર્પણ કરાશે.