અમરેલી એસ.ટી. ડેપોના ટ્રાફિક કંટ્રોલરો નિષ્ઠાપૂર્વક નોકરી કરે છે તેનો વધુ એક નમૂનો નજરે પડ્યો હતો. સવારે ૮ઃ૩૦ કલાકે અમરેલી એસટી ડેપોમાંથી પસાર થતી જામનગર મહુવા રૂટની બસમાં રવિરાજભાઈ ડી. ગઢીયા રાજકોટથી અમરેલી મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ અમરેલી ઉતરી ગયા હતા. આ દરમિયાન તેઓ પોતાનો ૧૪ લાખના ઘરેણા ભરેલો થેલો લેતા ભૂલી ગયા અને પછી તેમને પાછળથી ખબર પડી કે પોતાનો થેલો બસમાં પડ્‌યો રહ્યો છે. હાંફળા-ફાંફળા થઈ ગયેલા રવિરાજભાઈએ તાત્કાલિક અમરેલી ડેપોના ફોન નંબર ઉપર ફોન કરતા તેમણે વિગત જણાવી હતી અને તાત્કાલિક ફરજ પરના ટ્રાફિક કંટ્રોલર હર્ષદ રાદડિયા દ્વારા બસના કંડકટરનો સંપર્ક કરી તે થેલો પીકઅપ કરાવ્યો હતો અને મૂળ માલિક એસટી ડેપોમાં આવતા ફરજ પરના કંડકટર શેખભાઈ તથા પોતાના સહાયક ટ્રાફિક કંટ્રોલર જેન્તીભાઈ વામજાને સાથે રાખી હર્ષદભાઈ રાદડિયાએ આ થેલો મૂળ માલિકને પરત કર્યો હતો.