છેલ્લા ચારથી પાંચ મહિનાથી અમરેલી શહેરના આકાશમાં દિવસ-રાત ભયજનક રીતે ઉડતા પાયલટ ટ્રેનિંગના વિમાનોને કારણે શહેરીજનોમાં વ્યાપેલી દહેશતનો અંત લાવવા માટે અમરેલીના નાગરિકોએ કમર કસી છે. આ ગંભીર સમસ્યાના નિરાકરણ અને અમરેલીના દરેક પ્રશ્નોને વાચા આપવા માટે એક કમિટી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરીજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અનેક લોકો અને સંસ્થાઓના પ્રયત્નો છતાં આ પાયલટ ટ્રેનિંગના પ્લેન અમરેલી શહેર ઉપર દિવસ-રાત સતત ઉડતા રહે છે, જેના કારણે સુરક્ષા અને શાંતિનો ભંગ થઈ રહ્યો છે. હાલમાં જ અમદાવાદમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાને ધ્યાનમાં રાખીને, અમરેલીમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ સંદર્ભે, અમરેલીના જાગૃત નાગરિકો દ્વારા આજરોજ શનિવારે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં શહેરના તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે અને ભયજનક વિમાન ઉડ્ડયનની સમસ્યાના કાયમી નિરાકરણ માટે રણનીતિ ઘડવામાં આવશે. આયોજકોએ અમરેલીની જાગૃત જનતાને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે આહ્વાન કર્યું છે.






































