અમરેલીના અનુકંપા ફાઉન્ડેશન દ્વારા કુલ-૧૦૦૦ સિનિયર સિટીઝનોને તુલસીશ્યામ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, વીરપુરની યાત્રા કરાવવાના સંકલ્પના પ્રથમ ચરણરૂપે સોમવારે સવારે અમરેલીથી ૫૦ યાત્રિકો સાથેની પ્રથમ બસે પ્રસ્થાન કર્યું હતું. આ બસને ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, બાળરોગ નિષ્ણાત ડો. એસ.આર. દવે, રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રફુલ્લભાઈ બાટવીયા, ઓક્સફર્ડ સ્કૂલના મયુરભાઈ ગજેરા, ફાઉન્ડેશનના ટ્રસ્ટી સર્વે મધુભાઈ આજુગિયા, કમલેશભાઈ ગરાણીયા, ચેતનભાઇ રાવલ તથા યોગેશભાઈ કોટેચા, ટોમભાઈ અગ્રાવત, મુસ્તાકભાઈ તેલી, પેન્ટર ડી.જી. મહેતા, જગદિશભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડો. ભરત કાનાબારે જણાવ્યું હતું કે, ફાઉન્ડેશન દ્વારા દર મહિને સિનિયર સિટીઝનની એક બસ રવાના થશે. આ તીર્થયાત્રા જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર તદ્દન વિનામૂલ્યે કરાવાશે, જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ જોડાઈ શકશે. ઈફકોના ચેરમેન દિલીપભાઈએ ફાઉન્ડેશનની પ્રવૃત્તિને બિરદાવીને આ પછીની યાત્રા માટે, તેમના લઘુબંધુ સ્વ. ચંદુભાઈ સંઘાણીની સ્મૃતિમાં ૫૧ હજારનું અનુદાન જાહેર કર્યું હતું. જોગાનુજોગ એ જ દિવસે સ્વ. ચંદુભાઈ સંઘાણીની જન્મતિથિ હતી અને તેમના સ્મરણાર્થે અમરેલીમાં સંઘાણી પરિવાર દ્વારા આયોજિત ભાગવત કથાનો પ્રથમ દિવસ હતો. કાર્યક્રમમાં આ યાત્રા માટે અનુદાન આપનારા પ્રફુલ્લભાઈ બાટવીયા, મયુરભાઈ ગજેરા, હરેશભાઈ સાદરાણી, મનીષભાઈ મોરઝરીયા (શિવ ધારી), ભીખુભાઈ અગ્રાવત, નયનભાઈ જોષી (બેદી) તથા મુન્નાભાઈ મોરઝરીયાનું સન્માન કરાયું હતું.