અમરેલીમાં સાવરકુંડલા રોડ પર ગુજકોમાસોલની પાછળ ર૦ વર્ષથી રહેતા ગરીબ લોકોને જગ્યા ખાલી કરવા કોઈ અજાણ્યા ઈસમે ધમકી આપતા સ્થાનિક રહિશોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ન્યાયની માંગ કરી છે. આવેદનમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સાવરકુંડલા રોડ પર ગુજકોમાસોલની પાછળ છેલ્લા ૨૦ વર્ષ ઉપરાંત સમયથી રહેઠાણ ધરાવીએ છીએ, પાલિકા વેરો અને વીજ બિલ પણ ભરીએ છીએ અને વર્ષોથી રહેઠાણના અન્ય ડોક્યુમેન્ટો પણ છે. અહી રહેતા તમામ લોકો મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ બે દિવસ પહેલા અહી ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનની જગ્યા હોવાનું બોર્ડ લગાવી દેવાયું છે. આ ઉપરાંત કોઈ અજાણ્યો શખ્સે આવીને ૧૦ દિવસમાં જગ્યા ખાલી કરી દેવા અન્યથા મકાનો પર બુલડોઝર ફેરવી જગ્યા ખાલી કરવાની ધમકી આપી હતી. ત્યારે સરકારના નિયમ મુજબ કોઈ નોટીસ પણ આપવામાં આવી નથી. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી ન્યાય આપવા માંગ કરી છે.