શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં યોજાયેલા રમતોત્સવે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રમતગમતના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ખેલદિલી, સહકાર અને સમૂહભાવના જેવા ગુણોનો વિકાસ થાય તેવો હેતુ પણ આ રમતોત્સવ પાછળ હતો. આ રમતોત્સવમાં ૧૦૦ મીટર દોડ, રસ્સાખેંચ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડ અને ખો-ખો જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૫ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ આ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસિયાએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં રમતોત્સવના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે સક્ષમ બની જીવનમાં દરેક ક્ષેત્રમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે વિજેતા ટીમને પ્રોત્સાહક ઇનામો અને સર્ટિફિકેટ આપી અભિનંદન પાઠવ્યા હતા.