મકાનો અને મંદિરોમાં ચોરી સામાન્ય બની છે પરંતુ હવે તસ્કરો ગાડીના ટાયર પણ છોડતા નથી. અમરેલીનાં લાઠી રોડ પર ગુરૂદત પેટ્રોલપંપ પાસે એક વેપારીની પા‹કગ કરેલી કારનું અજાણ્યો તસ્કર ટાયર ચોરી કરીને લઇ ગયાનું વેપારી દ્વારા તાલુકા પોલીસ મથકે નોંધાવ્યું છે. મળતી માહિતી મુજબ અમરેલીનાં લાઠી રોડ પર સંતકૃપા ટ્રાન્સપોર્ટના વેપારી અંજુમભાઇ પઢીયારે પોતાની કાર નંબર જીજે ૦૫ સીએલ ૦૧૨૧ પાર્ક કરી હતી. ત્યારે ગતરાત્રીના કોઇ અજાણ્યો તસ્કર તેમની કારમાંથી એક ટાયર કાઢીને ચોરી કરીને લઇ ગયો હતો. અંજુમભાઇએ ગઇકાલે જ કારના ચારેય ટાયર નવા નખાવ્યા હતા. આ અંગે તેમણે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમા ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ફુટેજની ચકાસણી સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારમાં અવાર નવાર ચોરીની ઘટનાઓ સતત બનતી હોય ત્યારે પોલીસ દ્વારા સઘન રાત્રી પેટ્રોલિંગ કરવામાં આવે તેવી સ્થાનિકોમાંથી માંગ ઉઠવા પામી છે.