અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામમાં લોહીયાળ જંગ ખેલાયો છે. અહીં જૂની અદાવતમાં એક યુવાન પર થયેલા હુમલાએ હવે હત્યાનું સ્વરૂપ લીધું છે. સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજતા પોલીસે ગુનાની ગંભીરતા જાઈ હત્યાની કલમો હેઠળ તપાસ તેજ કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત ત્રણની અટકાયત કરી લીધી છે.
ભાક્ષી ગામની સીમમાં દિનેશ સોલંકી નામના યુવાન પર પટ્ટા અને દોરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત દિનેશને હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ હુમલા પાછળ પારિવારિક વિખવાદ જવાબદાર હતો. આરોપી નરશી સોલંકીએ પોતાની ભત્રીજીને ભગાડી જવાના મામલે મનદુઃખ રાખી દિનેશ પર મુંઢમાર મારી ક્રૂર હુમલો કર્યો હતો.
આ મામલે રાજુલા પોલીસે નરશી સોલંકી અને તેના ભત્રીજા સહિત કુલ ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. કૌટુંબિક ઝઘડાએ હિંસક રૂપ લેતા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. હાલ પોલીસ પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.









































