અમરેલી જિલ્લામાં દિવાળી બાદ વાહન અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. બે ઘટનામાં બે લોકોના મોત તથા બે લોકો ઘાયલ થયા હતા. વડીયાના અમરાપુર ગામથી બરવાળા બાવીશી ગામ તરફના રોડ પર બે ટુ વ્હીલ સામસામી અથડાતાં એકનું મોત અને એક ઘાયલ થયા હતા. બનાવ અંગે અમરાપુર ગામની સીમમાં વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના જોબટ તાલુકાના છાવરી ભાભરીયા ફળીયાના સાયરીબેન રાજુભાઈ ભાભોર (ઉ.વ.૪૫)એ જીજે-૨૦-સી-૦૩૭૧ નંબરના ટુ વ્હીલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પતિ ટુ વ્હીલ લઇને ઉપરોક્ત સ્થળેથી પસાર થતાં હતા ત્યારે સામેથી આવેલા ટુ વ્હીલ ચાલકે તેમને ટક્કર મારી હતી. જેથી નીચે પડી જવાથી ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડ્‌યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. અકસ્માત સર્જનાર ટુ વ્હીલ ચાલક પણ ઘાયલ થયો હતો. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એમ.વાઢેર વધુ તપાસ કરી રહ્યા છે. બીજી ઘટનામાં જાફરાબાદના ભાડા ગામે રહેતા કૈલાશબેન લાલજીભાઈ મહીડા (ઉ.વ.૪૭)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ તથા ભત્રીજો ખાંભા રોડ પર નાગધ્રા ચોકડી પાસેથી ટુ વ્હીલ લઈને પસાર થતા હતા ત્યારે બ્લુ કલરના ટેમ્પો ચાલકે ટક્કર મારતાં તેમના પતિને ઇજા થતાં મોત નિપજ્યું હતું. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી.સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.