આ વર્ષે અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે. ૨૮ ઓગસ્ટ યાત્રાનો છેલ્લો દિવસ હશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે શ્રદ્ધાળુઓ યસ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એક્સીસ બેંકની શાખાઓની મુલાકાત લઈને નોંધણી કરાવી શકે છે. ૧૫ એપ્રિલથી નોંધણી શરૂ થશે. આ યાત્રામાં ભાગ લેવા માટે ઓછામાં ઓછી ૧૩ વર્ષની ઉંમર હોવી જરૂરી છે. ૭૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને પણ આ યાત્રામાં સામેલ કરવામાં આવશે નહીં.
મનોજ સિંહાએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરમાં અમરનાથ ગુફા મંદિરની યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને ૫૭ દિવસ પછી ૨૮ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. લેફ્ટનન્ટ ગવર્નરે લોકભવનમાં પત્રકારોને જણાવ્યું હતું કે ૧૩ થી ૭૦ વર્ષની વયના યાત્રાળુઓ યાત્રા માટે પાત્ર બનશે, અને નોંધણી ૧૫ એપ્રિલથી શરૂ થશે. મનોજ સિંહાની અધ્યક્ષતામાં શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠકમાં યાત્રા માટેની તારીખો નક્કી કરવામાં આવી હતી. સિંહાએ કહ્યું, “અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને ૨૮ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ વખતે યાત્રાનો સમયગાળો પાછલા વર્ષો કરતાં થોડો લાંબો હશે, લગભગ ૫૭ દિવસનો.”
મનોજ સિંહાએ જણાવ્યું હતું કે યાત્રા માટે નોંધણી ફરજિયાત રહેશે અને તે ૧૫ એપ્રિલથી શરૂ થશે. યાત્રાળુઓ માટે લઘુત્તમ ઉંમર ૧૩ વર્ષ અને મહત્તમ ૭૦ વર્ષ નક્કી કરવામાં આવી છે. સિંહાએ જણાવ્યું હતું કે, “દેશભરમાં આશરે ૫૫૬ નિયુક્ત બેંક શાખાઓ દ્વારા અગાઉથી નોંધણી ઉપલબ્ધ થશે, જ્યારે ઓનલાઈન નોંધણી શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઇટ દ્વારા પણ ઉપલબ્ધ થશે.”
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે જણાવ્યું હતું કે યસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એક્સીસ બેંક તેમની શાખાઓ દ્વારા નોંધણીની સુવિધા આપશે. લેફ્ટનન્ટ ગવર્નરે જણાવ્યું હતું કે પહેલી પૂજા ૧૯ જૂને જ્યેષ્ઠ પૂર્ણિમાના અવસરે કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે યાત્રા બે માર્ગો દ્વારા હાથ ધરવામાં આવશેઃ અનંતનાગ જિલ્લામાં પરંપરાગત ૪૮ કિલોમીટર લાંબો નૂનવાન-પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં ટૂંકા, ૧૪ કિલોમીટર લાંબો, ઢાળવાળો બાલતાલ માર્ગ.