લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી જેથી તમામ રાજકીય પક્ષો સાથે અમરનાથ યાત્રાની તૈયારીઓ અંગે ચર્ચા કરી શકાય અને સહયોગ મેળવી શકાય. બેઠકમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, ભાજપના પ્રદેશ પ્રમુખ સત શર્મા અને અન્ય પક્ષોના નેતાઓએ સફળ યાત્રા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બધા સાથે મળીને યાત્રાની સફળતાપૂર્વક પૂર્ણતા સુનિશ્ચિત કરશે.
લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે, બાબા અમરનાથના આશીર્વાદથી, આ વર્ષની યાત્રા યાદગાર અને ભક્તો માટે આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અનુભવથી ભરપૂર રહેશે. તે જમ્મુ અને કાશ્મીર માટે એક નવો અધ્યાય પણ શરૂ કરશે. એલજીએ દરેકના સૂચનોનું સ્વાગત કર્યું. બેઠકમાં, તમામ પક્ષોના નેતાઓએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી. તેમણે કહ્યું કે જે રીતે કાશ્મીર ખીણના લોકો પોતાની રાજકીય વિચારધારાઓથી ઉપર ઉઠીને આતંકવાદ સામે રસ્તા પર ઉતર્યા, તેનાથી વિરોધીઓને એક મજબૂત સંદેશ મળ્યો કે આપણા સમાજમાં હિંસાને કોઈ સ્થાન નથી.
લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે, બધા રાજકીય પક્ષોના નેતાઓ જમ્મુ અને કાશ્મીર પરિવારના સભ્યો છે અને મારું માનવું છે કે અમરનાથ યાત્રા આ પરિવારની સામાજિક-સાંસ્કૃતિક જવાબદારી છે. આપણે બધા શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા અને અમરનાથ યાત્રાને સફળ બનાવવાના સંકલ્પ સાથે ખભે ખભો મિલાવીને ચાલવું જાઈએ.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને પવિત્ર યાત્રા માટે શક્્ય તમામ સહયોગની ખાતરી આપી. તેમણે કહ્યું કે આ પવિત્ર યાત્રાનું સુગમ અને સફળ સંચાલન આપણા બધાની સહિયારી જવાબદારી છે. તેમણે જમ્મુ અને કાશ્મીરના લોકોને પણ યાત્રાળુઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવા અને યાત્રામાં મુખ્ય હિસ્સેદારો તરીકે તેમની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા વિનંતી કરી.