સાળંગપૂરમાં ભક્તોનું ઘોડાપૂર, ૮ કિલો સોનામાંથી બનેલા વાઘામાં દાદાના દર્શન કરીને ધન્ય થયાં
અમદાવાદ સહિત ગુજરાતભરમાં હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.અમદાવાદમાં કેમ્પના હનુમાન મંદિરમાં વહેલી સવારથી જ ભકતોની ભીડ ઉમટી પડી હતી અને હનુમાનની પુજા અર્ચના કરવામાં આવી હતી અહીં ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવ્યા હતાં આ ઉપરાંત શહેરના અન્ય હનુમાન જયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ભક્તોએ હનુમાન ચાલીસાના પાઠ કરીને હનુમાનજીની જન્મ જયંતીની ઉજવણી કરી હતી. બહોળી સંખ્યામાં ભક્તો મંદિર આવી પોતાના પરિવારમાં સુખ શાંતિ બને રહે અને તમામ દુઃખ અને સંકટો દૂર થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.
પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપૂરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિનો જન્મોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરાયું હતું વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ ખાસ દિવસે શ્રી કષ્ટભંજન દેવને ૮ કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવ્યા હતાં.અનોખો અને અદ્ભુત શણગાર જાઈને ભાવિક ભક્તોમાં ખુશીની લાગણી જાવા મળી હતી. હનુમાન જયંતિએ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે તા.૧૨-૦૪-૨૦૨૫ને શનિવારના રોજ (ચૈત્ર સુદ પૂનમ) પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શનિવારના ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિના દિવસે મંગળા આરતી સવારે ૫.૧૫ કલાકે-શણગાર આરતી સવારે ૭ઃ૦૦ કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી તથા પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક એવં અન્નકૂટ આરતી બપોરે ૧૧.૩૦ કલાકે કરવામાં આવી હતી.૨૫૦ કિલો કેકનું કટીંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
હનુમાન જયંતી નિમિત્તે સુરતમાં ઠેર-ઠેર ઉજવણીઓ કરવામાં આવી હતી શહેરના તમામ હનુમાન મંદિરોમાં ભંડારા સહિત ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અડાજણ-પાલ ખાતે આવેલા પારદેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતીના આ પાવન પ્રસંગે પારદેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાનજી દાદાને ૬ હજાર કિલો બુંદીના લાડુનો ભોગ ચઢાવવામાં આવ્યો હતો. સાથે જ હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દાદાના દર્શને આવી પહોંચ્યા હતા. સંપૂર્ણ મંદિર પરીસર ‘જય બજરંગ બલી’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.આ સાથે જ દાદાને ચડાવવામાં આવેલ ૬ કિલો બુંદીના લાડુનો પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.
ઉલ્લેખનીય છે કે, આજે હનુમાન જયંતીના અવસરે સૌરાષ્ટ્રમાં ભાવનગર,જૂનાગઢ,રાજકોટ સહિત રાજ્યભરના હનુમાન મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જાવા મળી છે. જગવિખ્યાત સારંગપુર યાત્રાધામમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જ્યાં ભવ્ય આતશબાજી સાથે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનેનું સ્વાગત કરાયું હતું. બાદમાં ૮ કિલો સોનામાંથી બનેલા વાઘામાં પહેરાવવામાં આવ્યા છે. દર્શનાર્થે આવેલા ભક્તો પર બલૂન ડ્રોપ કરી તેમનું સ્વાગત કરાયું હતું.










































