આજે ૧૨ જૂનના રોજ બપોરે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર એક મોટો વિમાન દુર્ઘટના બની હતી જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ કુલ ૨૪૨ લોકો સાથે લંડન માટે ઉડાન ભરી હતી. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ રનવે પરથી ઉડાન ભર્યાના લગભગ ૯ મિનિટ પછી મેઘનાની નગર વિસ્તારમાં ક્રેશ થઈ હતી.આ દુર્ઘટનામાં ૧૭૦થી વધુ લોકોના મોત નિપજયાં હોવાનું કહેવાય છે. આ વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને સમગ્ર દેશના લોકો શોકમાં ડૂબી ગયા હતા, ત્યારે રમતગમત જગતના ખેલાડીઓએ પણ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સતત શોક વ્યક્ત કરી રહ્યા છે, જેમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટ્‌વીટ કરીને લખ્યું છે કે “અમદાવાદમાં વિમાન દુર્ઘટના વિશે સાંભળીને હૃદય દ્રવી ઉઠ્યું. હું અસરગ્રસ્ત લોકોના પરિવારો માટે પ્રાર્થના કરું છું કે તેઓને આ સહન કરવાની શક્તિ મળે.” આ દુઃખદ અકસ્માત પર શોક વ્યક્ત કરતા યુવરાજ સિંહે લખ્યું છે કે, “અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે હૃદયદ્રાવક સમાચાર. અસરગ્રસ્ત મુસાફરો, ક્રૂ અને પરિવારો માટે સંવેદના અને પ્રાર્થના. આ મુશ્કેલ સમયમાં તેમને શક્તિ મળે.”
મિતાલી રાજે પણ દુઃખ વ્યક્ત કર્યું ભારતીય મહિલા ટીમની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજે પણ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે અમદાવાદથી દુઃખદ સમાચાર. એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્ત તમામ લોકો માટે પ્રાર્થના.” ભૂતપૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ આ અકસ્માતના સમાચાર વિશે લખ્યું, “અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના સમાચારથી હું સંપૂર્ણપણે આઘાતમાં છું. હું પ્રાર્થના કરું છું કે ભગવાન બધા મૃતકોના પીડિત પરિવારોને શક્તિ આપે. આ દુઃખદ ક્ષણમાં, આપણે બધા શોકમાં એક છીએ.