અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર ઈવેન્ટ સેન્ટર ખાતે ૭મી ડિસેમ્બરે ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામીના પ્રમુખવરણીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ ભવ્ય કાર્યક્રમમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બી.એ.પી.એસ.ના આધ્યાત્મિકક વડા મહંત સ્વામી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહેશે. ૭ ડિસેમ્બર અને રવિવારે સાંજે ૫.૩૦ થી ૮.૩૦ સુધી ચાલનાર આ કાર્યક્રમમાં વૈવિધ્યસભર પ્રસ્તુતિઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજના ૧૦૪ મા જન્મદિને વંદના કરાશે. પ્રમુખસ્વામીના જીવન, કાર્ય અને ગુણોને દર્શાવતાં ૭૫ અલંકૃત તરતાં ફ્લોટસ નદીમાં દ્રશ્યમાન થશે.આ કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત કરવામાં આવી હોવાથી, દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે. બી.એ.પી.એસ.ના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે વિક્રમ સંવત ૨૦૦૬ (મે ૨૧, ૧૯૫૦) ના જેઠ સુદ ૪ ના દિવસે, રવિવારે, અમદાવાદના શાહપુર વિસ્તારમાં આંબલીવાળી પોળમાં આવેલા હરિમંદિરમાં સાંજે ૫ વાગ્યે ગુરુ શાસ્ત્રીમહારાજના કૃપાપાત્ર બનેલા નવયુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીને, સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં – બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આજીવન અધ્યક્ષ તરીકે – નિયુક્ત કર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજનું દીક્ષિત નામ તો શાસ્ત્રીનારાયણસ્વરૂપદાસજી હતું, પરંતુ શાસ્ત્રી મહારાજે તેમને સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ ‘પ્રમુખસ્વામી મહારાજ’ના નામથી જાણીતા બન્યા હતા.પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીનાં ૨૦૨૫માં ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તોએ આંબલીવાળી પોળ સુધી પદયાત્રા કરીને, ચાદર ઓઢાડીને વિવિધ રીતે ભક્તિ-અર્ધ્ય અર્પણ કર્યું હતું. પ્રમુખપદ ગ્રહણ કરતી વખતે પ્રમુખસ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞાઓને તેમના જીવનના ૯૫ વર્ષ સુધી સાકાર થયેલી લાખો લોકોએ અનુભવી છે. પ્રચંડ પુરુષાર્થ દ્વારા, સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની મહાન પરંપરાઓને વિસ્તારીને તેમણે વિરાટ સ્વરૂપ આપ્યું. પ્રમુખવરણી અમૃત મહોત્સવમાં સૌને સમર્પિત આ ભવ્ય અને દિવ્ય જીવનકાર્યને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.