અમદાવાદમાં ૧૨ જૂનનો દિવસ કાળમુખો બની ગયો. એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭ વિમાન ૨૪૨ પેસેન્જરોને લઈને લંડન માટે ઉડ્યું તો ખરું પરંતુ નિર્ધારિત જગ્યાએ પહોંચતા પહેલા જ અમદાવાદમાં જ તૂટી પડ્યું. જેમાં ૨૪૧ યાત્રીઓ સહિત ૨૭૦થી વધુ લોકોના જીવ ગયા. જેમાં મૂળ અમરેલીનો વતની અને વર્ષોથી લંડન સ્થાયી થયેલા અર્જુન પટોળિયા પણ સામેલ છે. પત્નીનું હજું થોડા દિવસ પહેલા જ મોત નિપજ્યું હતું અને અસ્થી વિસર્જન માટે તેઓ લંડનથી ગુજરાત આવ્યા હતા અને પરત ફરતી વખતે કાળના ખપ્પરમાં સમાઈ ગયા.
લંડનમાં કચ્છી યુવતી ભારતીના પ્રેમમાં પડ્યા અને લગ્નના તાંતણે બંધાયા. પ્રેમની નિશાની જેવી બે વ્હાલીસોયી દીકરીઓ સાથે સંસાર એકદમ સરસ ચાલતો હતો. અર્જુન ૧૭ વર્ષથી લંડનમાં રહેતા હતા અને બ્રિટિશ નાગરિક હતા. અર્જુન મૂળ કાઠિયાવાડી અને પત્ની ભારતી કચ્છી ગુજરાતી હતા. ટૂંકા લગ્નજીવનમાં બે પુત્રીઓના પિતા બન્યા. એક પુત્રી ૮ વર્ષની અને બીજી ૪ વર્ષની છે જે હાલ લંડનમાં છે. અર્જુનના માતા અને ભાઈ ડભોલીમાં રહેતા હતા. જા કે અર્જુનના ભાઈ ગોપાલ પણ બે વર્ષ પહેલા લંડન આવી ગયા.
ચાર વર્ષ પહેલા ભારતીબેનને કેન્સર થયાનું સામે આવ્યું હતું. અનેક સારવાર છતાં તેમણે ૨૬ મેના રોજ દુનિયાને અલવિદા કરી. ભારતીબેનની ઈચ્છા હતી કે તેમના અસ્થિનું વિસર્જન નર્મદા નદીમાં થાય. એટલે ક્રિયાઓ પતાવ્યા બાદ અર્જૂન દીકરીઓને લંડનમાં જ ભાઈને ત્યાં મૂકીને અસ્થિ વિસર્જન માટે ૨ જૂનના રોજ માદરે વતન આવ્યા હતા. પરત ફરતી વખતે કાળનો ભોગ બન્યા. માતા ગુમાવ્યાના ગણતરીના દિવસોમાં દીકરીઓએ પિતા પણ ગુમાવી દીધા. જા કે અર્જુનના માતા કંચનબેને કહ્યું કે પુત્રનું મોત થયું છે તેમની બંને દીકરીઓની જવાબદારી હું અને મારો નાનો દીકરો ઉઠાવીશું. અત્રે જણાવવાનું કે નાના ભાઈ ગોપાલના ત્યાં લગ્નના ૮ વર્ષ બાદ પણ કોઈ સંતાન નથી.
માતા બાદ હવે પિતા અર્જૂન પટોળિયા પણ આ દુનિયામાંથી વિદાય થઈ ગયા. પરંતુ બે દીકરીઓના ભવિષ્ય અંગે પરિવાર ચિંતાતૂર છે. મળતી માહિતી મુજબ ત્યાં રહેતા ગુજરાતીઓએ આ પરિવારની દીકરીઓ માટે માત્ર ૩ દિવસમાં ૫.૬૯ લાખ પાઉન્ડ (અંદાજિત ૬ કરોડ ૬૫ લાખ રૂપિયા) ભેગા કર્યા. અર્જુન લંડનમાં જેમના ત્યાં કામ કરતા હતા તે ફર્નિચર કંપનીના માલિક વિનોદ ખીમજીને વિચાર આવ્યા બાદ ફંડ ભેગુ કરવા માટે અપીલ કરાઈ હતી. તેઓ પણ આ પરિવારને સારો એવો સપોર્ટ કરી રહ્યા છે. દીકરીઓને પિતાએ અનંતની વાત પકડી એ ખબર નથી. દીકરીઓ માટે ફંડ ભેગુ કરવાની અપીલ કરાઈ અને લંડનમાં પ્રાર્થના સભા પણ યોજાઈ. જેમાં મોટી સંખ્યામાં ત્યાં વસતા ગુજરાતીઓ ભેગા થયા હતા. દીકરીઓ માટે ૧૩ હજારથી વધુ લોકોએ આર્થિક મદદ કરી. હાલ આ દીકરીઓ તેમની માસીની પાસે છે.