અમદાવાદમાં ૧૨ જૂનના રોજ ૨૪૨ મુસાફરોને લઈને જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાણની ગણતરીની મિનિટો બાદ કેમ ધડામ દઈને નીચે પડ્યું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું તેનું મોટું કારણ સામે આવ્યું છે. એર ઇન્ડિયાના પાઈલોટોએ તબાહીની એ અંતિમ પળો જેવી સ્થિતિ ઊભી કરીને એ ચકાસ્યું કે આવું કયા કારણોસર થયું હોઈ શકે.
એર ઇન્ડિયાના પાઈલોટોએ સિમ્યુલેશન દ્વારા વિમાનની સ્થિતિ જાણવાની કોશિશ કરી, જે પ્લેન ક્રેશ વખતે પેદા થઈ હતી. પાઈલોટ્સે લેન્ડીંગ ગિયર લગાવવાની સાથે પ્લેનની પાંખોને પાછળ ખેંચી. જેમાં જાણવા મળ્યું કે વિંગ ફ્લેપનું સંકોચાવવું, દુર્ઘટનાનું કારણ હોઈ શકે નહીં.
સૂત્રોના હવાલે બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવાયું છે કે ફ્લાઈટ સિમ્યુલેટરમાં એર ઇન્ડિયાના પાઈલોટ્સે પ્લેનના નીચા પડવા દરમિયાન કઈ કઈ ટેકનીકલ ખામી આવે છે, તેને જોઈ અને સંભવિત કારણો વિશે જાણ્યું. જો કે એર ઇન્ડિયાએ આ તપાસ અંગે કશું પણ કહેવાની ના પાડી દીધી છે.
રિપોર્ટ મુજબ બોઈંગ ૭૮૭ની ફ્લાઈટ એઆઈ ૧૭૧ના કાટમાળની તસવીરો જાતા ખબર પડે છે કે તેના ફ્લેપ (પાંખો) ખુલ્લા હતા, સંકોચાયેલા નહીં જે પહેલા કહેવાતું હતું. ફ્લેપના કારણે એરક્રાફ્ટને ટેકઓફ દરમિયાન ઉપર જવામાં કે લેન્ડીંગ દરમિયાન ઝડપ ઓછી કરવામાં મદદ મળે છે. રિપોર્ટ દ્વારા તમામ વિશેષજ્ઞોએ સંભાવના જતાવી છે કે ટેકનીકલ ખામીઓના કારણે પ્લેન ક્રેશ થયું હોઈ શકે છે.
વિમાનન વિશેષજ્ઞ અને પૂર્વ નેવી પાઈલોટ કેપ્ટન સ્ટીવ શિબનરે કહ્યું કે બંને એન્જીનનું એક સાથે ફેલ થવું અકસ્માતનું એક કારણ બની શકે છે. ઉડાણ બાદ તરત જ રામ એઆઇ ઉર્બાઇનનો ઉપયોગ ટેકઓફના તરત બાદ બંને એન્જીનના ફેલ થવાની સંભાવના તરફ ઈશારો કરે છે. સિમ્યુલેશનની આ પ્રક્રિયા વિમાન અકસ્માતની થઈ રહેલી અધિકૃત તપાસથી અલગ છે.
એરક્રાફ્ટ એક્સીડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યૂરો વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે પ્લેન ક્રેશની સંભવિત સ્થિતિઓ વિશે જાણકારી મેળવવા માટે આ સિમ્યુલેશન કરાયું. દુર્ઘટનાના ફૂટેજના આધારે એર ઇન્ડિયાના પાઈલોટ્સે જાણ્યું કે વિમાનનું લેન્ડીંગ ગિયર થોડું આગળની તરફ ઝૂકેલું હતું. જે દર્શાવે છે કે ટેકઓફ બાદ પૈડાની અંદર આવવાની પ્રક્રિયા શરૂ થવાની હતી. પરંતુ તે વખતે લેન્ડીંગગિયરના દરવાજા ખુલ્યા નહતા. જે સંકેત આપે છે કે વિમાનની અંદર અચાનક પાવર લોસ (ઈલેક્ટ્રીસિટી ફેલ) કે હાઈડ્રોલિક ફેલની સ્થિતિ સર્જાઈ હશે.
પ્લેનનું બ્લેકબોક્સ મળી ચૂક્્યું છે અને તેનો ડેટા પણ ડાઉનલોડ થઈ ગયો છે. એવું કહેવાય છે કે આગામી થોડા દિવસમાં સ્પષ્ટ રીતે ખબર પડી જશે કે વિમાન અકસ્માતની અંતિમ પળોમાં શું થયું હતું.એએઆઇબીની દિલ્હી લેબમાં આ અંગે તપાસ ચાલુ છે.








































