અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થતા પાર્થિવ શરીર પરિવારજનોને સોંપવાની કાર્યવાહી ચાલુ છે.અમદાવાદ પ્લેન ક્રેશમાં વધુ ૨૩૧ મૃતકોના ડ્ઢદ્ગછ સેમ્પલ મેચ થયા છે જ્યારે ૨૧૦ના મૃતદેહ તેમના સ્વજનોને સોપવામાં આવ્યા છે. સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, વહીવટી તંત્ર સહિતનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે.
આ ઘટનામાં ઘણા ફેમિલીના બે અથવા વધારે સભ્યોના મૃત્યુ થયેલા હોય, તેઓના ડીએનએ વારા ફરતી આવતા હોય, સગા સંબંધીઓને અંતિમ વિધિ એક કરતા વધારે વખત કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે સગાંસંબંધીઓ વિમાસણમાં પડી જાય છે. સુરત જિલ્લાના કામરેજ, ઊંભેલ ખાતે રહેતા રીંકેશ પટેલ અને કેનીલ પટેલના બહેન વિભૂતિબેન અતુલકુમાર પટેલ (ઉ.વ.૨૫) અને બનેવી હાર્દિક દેવરાજભાઈ અવૈયા પટેલ (ઉ.વ.૨૭) ગઢપુર ટાઉનશિપ, કઠોદરા, સુરતનું પણ એર ઈન્ડિયાની ફલાઇટમાં સફર કરતા અકસ્માતમાં મરણ થયું હતું. હાર્દિક દેવરાજભાઇ અવૈયા પટેલના પહેલા મેચ થતા તેમના ભાઇ રાજેશભાઇ અવૈયાને પાર્થિવ શરીર સોંપવા જણાવવામાં આવ્યું હતું. એક જ કુટુંબમાં બે મરણ થયેલ હોય અલગ અલગ વિધિ કરવાની જગ્યાએ બન્નેના પાર્થિવ શરીર સાથે મળે તો એક સાથે અંતિમ વિધિ થઇ શકે તે હેતુથી રાહ જાઇ હતી પરંતુ થાકીને બનેવીના અંતિમ સંસ્કાર કરી બહેનની ડેડબોડી માટે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરતા કોઇએ ધ્યાન આપ્યું નહતું. તે બાદ વિભૂતિબેનના ભાઇ કેનિલ પટેલ અને રીંકેશ પટેલ ચિંતાતુર હૃદયે બંદોબસ્તમાં રહેલ ડીસીપી પ્રદીપસિંહ જાડેજાને મળતા ડીસીપી જાડેજા, એસીપી કૃણાલ દેસાઈ તથા શાહીબાગ પીઆઇ જે.ડી.ઝાલા, તપાસ કરનાર નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર પી.વી. ગોહિલ, તથા સ્ટાફ દ્વારા પરિવારજનોને સાંત્વના આપી હતી
એફએસએલ ડીએનએએ રિપોર્ટ આવતા વાર લાગતી હોય, જે ટેકનિકલ બાબત હોય, જ્યારે ડીએનએ મેચ થઇને આવશે, ત્યારે તરત જ પરિવારજનોને જાણ કરવામાં આવશે અને ડેડબોડી સોંપવાની વ્યવસ્થા કરવા પ્રયત્નો કરવા સમજણ આપી હતી. તે બાદ ડીએનએ રિપોર્ટ મેચ થઇ આવી જતા તેઓને જાણ કરી બેનના પાર્થિવ શરીર મળે તે માટે પોલીસ દ્વારા હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી, ડેડબોડી સોંપવા વ્યવસ્થા કરી આપતા, બેનના પાર્થિવ શરીર અમદાવાદ શહેર પોલીસ તથા વહીવટી તંત્રની સંકલિત કામગીરીના કારણે મળતા, મરણ જનાર વિભૂતિબેન પટેલના પરિવારજનો દ્વારા કપરી પરિસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસની સંવેદનશીલ કામગીરીના ભરપૂર વખાણ કરી, ભાવ વિભોર થયા હતા અને અમદાવાદ શહેર પોલીસનો આભાર માન્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.અંતિમ વિધિ પત્યા બાદ પણ વિભૂતિબેન પટેલના ભાઈ દ્વારા ડીસીપી પ્રદીપસિંહ જાડેજાને ટેલિફોન કરીને પોતાના બહેનની અંતિમ વિધિ પૂરી થઈ ગયા હોવાની જાણ કરેલ અને પોલીસ આવી પણ હોય છે, એનો એહસાસ થયો હતો તેમજ ફરીથી આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.