અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર કરીયાણા ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. એક પારિવારિક કાર્યક્રમ પૂર્ણ કરીને અમદાવાદથી ભાવનગર પરત ફરી રહેલી એક ખાનગી મિની બસ અચાનક પલટી ખાઈને રસ્તા પર પડી ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને ૨૨ મુસાફરો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી.
પ્રાથમિક તપાસ મુજબ, ખાનગી બસમાં લગભગ ૨૩ મુસાફરો હતા. બસ ૨૧ જૂનના રોજ સાંજે લગભગ ૭ઃ૩૦ વાગ્યે અમદાવાદ ગ્રામીણ જિલ્લાના કોઠા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કરીયાણા ગામ પહોંચી હતી. ડ્રાઇવરે સ્ટીયરિંગ વ્હીલ પરનો કાબુ ગુમાવ્યો અને બસ પલટી ગઈ અને રસ્તા પરથી નીચે પડી ગઈ.
આ દુર્ઘટનામાં મીની બસમાં સવાર ૬૧ વર્ષીય રંજનબેન દશાડિયાનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. અકસ્માતમાં ઘવાયેલા તમામ મુસાફરો ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, ૧૦૮ ઇમરજન્સી સેવા અને અન્ય બચાવ ટીમો સ્થળ પર પહોંચી હતી. ૧૦૮ સેવાની ચાર એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢી ધોળકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
માહિતી મુજબ, ૧૩ લોકોને સામાન્ય અને નાની-મોટી ઇજાઓ હોવાથી ધોળકા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ૯ દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું સંકલન કર્યું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જાકે પ્રાથમિક અનુમાન મુજબ બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.




































