અમદાવાદ કોંગ્રેસ કચેરી પર પથ્થરમારાનો મામલો હજી પણ ગરમાયેલો છે. કોંગ્રેસ કાર્યકરે વિડીયો વાઇરલ કરીને આ અંગે વેદના ઠાલવી છે. કોંગ્રેસ કાર્યકરની આ વેદના સામે પ્રવક્તાએ હૂંફ આપી લાગણી સેલ બનાવવા માંગ કરી છે. કાર્યકરે પણ હૂંફ લાગણી સેલની જવાબદારી પણ લેવાની વાત કરી છે. અમિત નાયકે ટ્વીટ કરી કોંગ્રેસ પાસે સેલની માંગ કરી છે.
અમ઼દાવાદમાં રાજીવ ગાંધી ભવન પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસે ૫ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી, આ ૫ કાર્યકર્તાઓ હાલ જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે જ્યારે અન્ય ૨૧ કાર્યકર્તાઓ નાસતા ફરે છે. ૨ જૂલાઈએ બનેલી આ ઘટના બાદ આ કાર્યકર્તાઓની પ્રદેશ નેતાગીરી દ્વારા કોઈ દરકાર ન લેવાતી હોવાનુ ફરિયાદ ઉઠી. કોંગ્રેસના કાર્યકરે વીડિયો વાયરલ કરી આકરા શબ્દોમાં તેમની પીડા વ્યક્ત કરી છે અને પ્રદેશ નેતાગીરીની આકરી ઝાટકણી કાઢી છે.
પ્રદેશ નેતાગીરીના એક ફોન પર હાજર થઈ જનારા કાર્યકર્તાઓને આજે કોઈ પૂછી પણ નથી રહ્યુ. ૨ જૂલાઈએ થયેલી મારામારીની ઘટના બાદ ૨૧ કાર્યકર્તાઓ આજે પણ નાસતા ફરે છે પરંતુ કોંગ્રેસના આગેવાનોને તેમની કંઈ પડી નથી. ઘટનાને એક સપ્તાહ વીતવા આવ્યુ પરંતુ એકપણ કાર્યકરને ફોન કરીને કોઈએ પૂછવાની પણ દરકાર લીધી નથી.
પ્રદેશ નેતાગીરી કે શહેર પ્રમુખે નાસતા ફરતા કાર્યકરોને ફોન ના કર્યો હોવાનો બળાપો કાઢ્યો છે. કાર્યકરે જણાવ્યું હતું કે એક કાર્યકર્તા તરીકે મારા પર અમદાવાદ કોંગ્રેસ શહેર સમિતિ કે કોંગ્રેસ કાર્યાલય તરફથી એક ફોન નેતાનો કે પ્રમુખનો ફોન નથી આવ્યો. કોઈએ નાસતા ફરતા ૨૧ કાર્યકર્તાઓની નોંધ સુદ્ધા નથી લીધી.