શહેરની રાજનીતિમાં ચકચાર મચાવતો વિવાદ સામે આવ્યો છે, જ્યાં શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ સામે ટિકિટ માટે પૈસા લેવાના ગંભીર આક્ષેપ થયા છે. રખિયાલ-સરસપુર વોર્ડની મહિલા કાર્યકર્તા ભાવનાબેન ગુપ્તાએ આક્ષેપ કર્યો છે કે ટિકિટ અપાવવાના નામે પાર્ટી ફંડ તરીકે સોનલબેન પટેલે તેમની પાસેથી એક લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા.
ભાવનાબેન ગુપ્તાના જણાવ્યા મુજબ, સોનલબેન પટેલ તેમના ઘરની નજીક ઓલા કારમાં આવ્યા હતા અને ત્યાં જ રોકડ રકમ લીધી હતી. સાથે જ ટિકિટ મળ્યા બાદ વધુ ચાર લાખ રૂપિયા આપવા માટે વાત થઈ હતી. પરંતુ, ઉમેદવારોના નામ જાહેર થયા બાદ સોનલબેન પટેલે ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હોવાનો આરોપ ભાવનાબેને લગાવ્યો છે. આ મામલો એટલો ઉગ્ર બન્યો કે ગઈકાલે રખિયાલ-સરસપુર વોર્ડના મધ્યસ્થ કાર્યાલય ખાતે બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન ભાવનાબેન ગુપ્તાએ સોનલબેન પટેલના વાળ ખેંચી લાફો માર્યાનો પણ આરોપ સામે આવ્યો છે.
આ સમગ્ર ઘટનાને લઈને સોનલબેન પટેલે પ્રતિક્રિયા આપતા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, કાર્યક્રમ દરમિયાન તેમના પર શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો. ભાવના ગુપ્તાની દીકરી યુથ કોંગ્રેસમાં મહામંત્રી છે અને બંનેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, ટિકિટ ન મળતા નિરાશામાં આવીને આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સાથે જ ભાવનાબેન ભાજપમાંથી કોંગ્રેસમાં જાડાયા હોવાથી કોઈના ઈશારે આ બધું કરવામાં આવી રહ્યું હોય તેવી શંકા પણ વ્યક્ત કરી. આ મામલે કાનૂની પગલાં લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાવીશું.હાલ આ સમગ્ર ઘટનાએ અમદાવાદ શહેર કોંગ્રેસમાં આંતરિક વિખવાદને જાહેરમાં લાવી દીધો છે, અને હવે આ મામલો રાજકીય રીતે કઈ દિશામાં વળે છે તે જાવાનું રહ્યું.