દેશભરમાં દાણચોરી માટે હોટ ફેવરિટ અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરી યથાવત્ છે ત્યારે જ કેરીયર દ્વારા સોનાની પેસ્ટ વિદેશથી લાવીને અમદાવાદ એરપોર્ટના ટોઇલેટમાં છુપાવી દેવામાં આવી હતી. સફાઇ કામદાર દિનેશ ગરવાને સફાઇ દરમિયાન ટોઇલેટના ડસ્ટબીનમાંથી કંઇ વાંધાજનક વસ્તુ મળતાં તેણે આ બાબતે એરપોર્ટ ઓથોરિટી અને કસ્ટમ્સ અધિકારીઓને જાણ કરી હતી.
અધિકારીઓેએ તપાસ કરતાં બોક્સમાંથી ૭૫૦ ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી. કસ્ટમ્સે આ સોનું કબજે લઇ તપાસ શરૂ કરી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેની સરાહના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ ગ્રાઉન્ડ સ્ટાફની પણ સોનાની દાણચોરીમાં સંડોવણી સામે આવી હતી.
દેશના સૌથી વ્યસ્ત અને દાણચોરી માટે કુખ્યાત અમદાવાદ એરપોર્ટ પર હાઉસકિપિંગ સ્ટાફના કર્મચારી દિનેશ ગરવા સવારે સફાઇ કરી રહ્યા હતા. દિનેશ ગરવાને ટોઇલેટના ડસ્ટબીનમાં કંઇક વજનદાર વસ્તુ હોવાનો ભાસ થતાં તેમણે તપાસ કરી તો છુપાવીને મૂકેલા બે સીલબંધ પેકેટ હતા. બન્ને બોક્સ અંગે ગરવાએ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તથા કસ્ટસમ્ટના અધિકારીઓને જાણ કરી હતી. અધિકારીઓએ તપાસ કરતા બન્ને પેકેટમાંથી ૭૫૦ ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી. કસ્ટમ્સની ટીમે સોનું જપ્ત કરીને આ પ્રકરણની તપાસ શરૂ કરી છે. તમામ અધિકારીઓએ ગરવાની વફાદારી અને કાર્યનિષ્ઠાની સરાહના કરી હતી. સ્થાનિક અધિકારીઓ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી લગભગ અટકાવવામાં આવી હોવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે સોનાની પેસ્ટ મળતાં હજુ દાણચોરી ચાલુ હોવાનું સાબિત થઇ ગયું છે.