શહેરમાં ભલે દારૂબંધીના દાવા કરવામાં આવતા હોય પણ અનેક એવા ઠેકાણા છે જ્યાં આસાનીથી દારૂ મળે છે. સ્થાનિક પોલીસ આશીર્વાદ રાખે પણ એજન્સીઓ રેડ કરી કાર્યવાહી કરે છે. આવી જ એક રેડ પોષ વિસ્તાર એવા સેટેલાઈટમાં થઈ છે. પીસીબીએ મોંઘીદાટ દારૂની બોટલમાં ભેળસેળ કરી ઊંચા ભાવે દારૂ વેચનારની ધરપકડ કરી છે. શાહપુરનો બુટલેગર નહેરુનગરમાં આવેલા એક ફ્લેટમાં ફેક્ટરી બનાવી વીઆઇપી ગ્રાહકોને ત્રણ ચાર હજોરમાં ભેળસેળ વાળો દારૂ વેચતો હતો.
નહેરુનગર પાસેના અભિલાષ એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ પરિવાર સાથે રહીને દારૂની હાઇફાઈ મોંઘી બ્રાન્ડનો દારૂ વેચી રહ્યો હોવાની પીસીબીને બાતમી મળતા રેડ કરાઈ હતી. ઘરમાંથી કૃણાલ મચ્છર નામના આરોપીની ધરપકડ કરી આરોપી પાસેથી ૨૨ દારૂ ભરેલી બોટલ, ૫૬ ખાલી બોટલ, ગરણી, ઢાંકણા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે તપાસ કરી તો આરોપી મોંઘીદાટ અને હાઇફાઈ બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભેળવી વેચાણ કરતો હતો. આરોપી અહીં ભાડે રહે છે અને શાહપુરના બુટલેગરને ઘરમાં જગ્યા આપી ફેક્ટરી બનાવવા કમિશન લેતો હતો. ઝડપાયેલા આરોપીએ પોલીસ સમક્ષ એવી હકીકત જણાવી છે કે તે માત્ર બે માસથી અહીં ભાડે રહેવા આવ્યો હતો. તે કુરિયરની નોકરી કરતો હતો પણ આર્થિક સંકળામણ આવતા તેની પાસે અગાઉના ભાડાના ઘરનું ભાડું ભરવાય પૈસા નહોતા. જેથી મકાન બદલી આ સ્થળ પર રહેવા આવ્યો હતો.
અગાઉ નોકરી કરતો હતો ત્યાંના શેઠે દસેક વર્ષ પહેલા એક દિવસ શાહપુરના અભિષેક ઉર્ફે ભૈલુ નામના બુટલેગરને ત્યાં દારૂ લેવા મોકલ્યો હતો. ત્યાંથી અભિષેક સાથે સંપર્ક થયો હતો. અભિષેકે આરોપી કૃણાલ મચ્છરનું ઘર ઉપયોગમાં લેવાની વાત કરી અને દારૂનું મિક્સિંગ પણ કૃણાલના ઘરમાં કરતો હતો. એક બોટલ વેચાણ પર પકડાયેલા આરોપીને ૧૦૦ રૂપિયા કમિશન આપતો હતો અને ગ્રાહકો પણ અભિષેક ઉર્ફે ભૈલુ લાવતો અને પોષ વિસ્તારમાં ડુપ્લીકેટ દારૂનું વેચાણ કરતો હતો.
આરોપી રોજની ૧૦થી ૧૫ અથવા પાંચ બોટલ હાઇફાઈ અને ક્રિમ કસ્ટમરને વેચાણ કરતો હતો. આરોપી બે માસથી આ ધંધો કરતો હોવાનું રટણ કરી રહ્યો છે પણ તે ઘણા માસથી ભાડાનું ઘર શાહપુરના બુટલેગરને દારૂની ફેકટરી માટે આપી ધંધો કરતો હતો. આગામી સમયમાં મુખ્ય આરોપી કે જે શાહપુરમાં દારૂનો ધંધો કરે છે તેની ધરપકડ બાદ વધુ ખુલાસા થઈ શકશે.