વિદેશી નાગરિકોને ઓછા વ્યાજે પર્સનલ લોન આપવાનું કોલ સેન્ટર ચલાવતા શખ્સની રામોલ પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી મોબાઈલ ફોનમાં અલગ અલગ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરીને વિદેશી નાગરિકોને ફોન કરીને પ્રોસપર કંપનીમાંથી બોલીએ છીએ, ઓછા વ્યાજદરે પર્સનલ લોન આપવાની લાલચ આપતા હતા. જાળમાં ફસાઈ ગયેલા વિદેશી નાગરિકો પાસેથી આરોપી પ્રોસેસિંગ ફીના પેટે ૫૦થી ૨૦૦ ડોલર મેળવતો અને બાદમાં વોલમાર્ટમાંથી લોન અંગેનું કાર્ડ મળી જશે કહીને ઠગાઈ આચરતો હતો.
આ સમગ્ર કોલ સેન્ટરના ઠગાઈના રેકેટમાં અન્ય ત્રણ આરોપીઓ પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળતા રામોલ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર ત્રણ આરોપીની શોધખોળ માટે ટીમો રવાના કરી દીધી છે. વિદેશી નાગરિકો પાસેથી રૂપિયા પડાવવાનું કોલ સેન્ટર ઝડપાયું હોવાના અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે. પરંતુ રામોલના મહાદેવનગર વિસ્તારમાં દુર્ગા પાર્ક સોસાયટીમાં રહેતો ૨૦ વર્ષીય ધ્રુવેશ દેવાંગભાઈ ઠક્કર તેના મિત્રો મારફતે મોબાઈલ ફોનમાં અલગ અલગ પાંચથી વધુ એપ્લીકેશનો ઇન્સ્ટોલ કરીને અમેરિકન નાગરિકોના રૂપિયા પડાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી.
બાતમીના આધારે રામોલ પોલીસે આરોપી ધ્રુવેશ ઠક્કરની ધરપકડ કરી છે. આરોપી ધ્રુવેશ તેની પાસેના બે મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપ્લીકેશન થકી વિદેશી નાગરિકોને ફોન કરતો અને સસ્તા વ્યાજદરથી લોન આપીએ છીએ તેમ કહીને જાળમાં ફસાવતો હતો. ભણેલો ગણેલો ધ્રુવેશ ફાંકડું અંગ્રેજી બોલીને વિદેશીઓને વિશ્વાસમાં લઈ લેતો હતો. ત્યારબાદ લોન લેવા માટે તૈયાર થયેલા અમેરિકન નાગરિક પાસેથી લોન પ્રોસેસિંગનો ચાર્જ ભરવો પડશે તેમ કહીને ૫૦થી ૨૦૦ ડોલરની માંગણી કરીને રૂપિયા ખંખેરી લેવામાં આવતા હતા. અને વોલમાર્ટમાંથી લોનનું કાર્ડ મળી રહેશે તેમ કહીને કોલ કાપી નાંખવામાં આવતો હતો. હાલ આ મામલે રામોલ પોલીસે ધ્રુવેશ ઠક્કરની ધરપકડ કરીને ફરાર અંકુર દેસાઈ, રજત પાંડે અને ચિરાગ ચૌહાણની શોધખોળ હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી વીપીએન સર્વર વાપરી મોબાઈલમાં ઇન્સ્ટોલ એપ્લીકેશન મારફતે કોલ કરીને કોલ સેન્ટર ચલાવતો હતો. ધ્રુવેશ ઠક્કર વિદેશી નાગરિકો સાથે વાતચીત કરીને રૂપિયા પડાવતો હતો. જ્યારે ફરાર આરોપી અંકુર દેસાઈ વિદેશી નાગરિકોના મોબાઈલ નંબર સાથેની લીડ લાવી આપતો હતો. તથા રજત પાંડે અને ચિરાગ ચૌહાણ ઝડપાયેલા આરોપી ધ્રુવેશ ઠક્કરના મોબાઈલમાં ઇન્સ્ટોલ એપ્લીકેશનો મેનેજ કરતો હતો.









































