અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી એક દિલ દહોળી નાખે એવો બનાવ સામે આવ્યો છે, જેને સાંભળીને દરેક માતા-પિતા વિચારમાં પડી જાય. અઢી મહિનાની નિર્દોષ બાળકીના મોત પાછળ માતાની બેદરકારી અને બાદમાં કરાયેલા કૃત્યે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની અઢી મહિનાની બાળકી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. ઘટનાના સમયે બાળકીને બચાવવાનો યોગ્ય પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. આરોપ છે કે માતાએ પોતાની ભૂલ છુપાવવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરીને તેના ઉપર તગારું મૂકી દીધું.બાળકીના પિતા દિપક મકવાણાએ આ મામલે પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ એક ખાનગી કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં મોટી દીકરી ઉપરાંત અઢી મહિનાની નાની દીકરી હતી.
ઘટનાના દિવસે પિતા ગેસ સિલિન્ડર લેવા માટે બહાર ગયા હતા. તે દરમિયાન ઘરમાં માતા અને બંને દીકરીઓ હાજર હતી. થોડા સમય બાદ પડોશી દ્વારા ફોન આવતા પિતા તરત ઘરે પહોંચ્યા. ત્યાં લોકોનું ટોળું એકત્ર થયું હતું અને બાળકીને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. બાદમાં બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
પ્રાથમિક પૂછપરછમાં માતાએ સ્વીકાર્યું કે તે પાણી ભરવાની પ્રક્રિયા દરમિયાન દીકરી હાથમાંથી છૂટીને ટાંકીમાં પડી ગઈ હતી. ગભરાટમાં તેણે બાળકીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નિષ્ફળ રહી. બાદમાં પોતાને દોષ ન લાગે તે માટે ટાંકી બંધ કરીને ઉપર તગારું મૂકી દીધું. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગંભીર ગુનો નોંધીને માતાની ધરપકડ કરી છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.







































