શહેરના ખોખરામાં ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાડોશમાં રહેતા કૌટુંબિક ભાઈએ સગીર વયની બહેનને તારા ભાભી માટે ગિફ્ટ લાવ્યો છું કહીને સગીર બહેનને ઘરે બોલાવીને એકલતાનો લાભ લઈને પોતાની હવસનો શિકાર બનાવી દીધી હતી. આ અંગે કોઈને જાણ કરીશ તો તારા માતા-પિતાને જાનથી મારી નાંખીશ તેવી ધમકી સગીરાને આપી હતી. ગુમસુમ બેસી રહેતા સગીરાના પિતાએ આ મામલે પૂછતાં સમગ્ર ભાંડો ફૂટ્યો અને સગીરાના પિતાએ કૌટુંબિક ભત્રીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૂળ રાજસ્થાનના વતની અને હાલ ખોખરામાં પત્ની અને દીકરી સાથે રહેતા અને ખાનગી કંપનીમાં સામાન્ય નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ૪૬ વર્ષીય પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે તેમને ખબર પડી કે તેની દીકરી દુષ્કર્મનો શિકાર બની છે. અને પિતાને આઘાત ત્યારે લાગ્યો જ્યારે સગીર દીકરીએ આપવીતી જણાવી કે આ કૃત્ય બીજા કોઈએ નહીં પરંતુ પાડોશમાં રહેતા કૌટુંબિક ભત્રીજાએ દુષ્કર્મ આચર્યું છે.
આ વાત જાણીને સગીરાના પિતાએ સમાજમાં આબરૂ જશે તેમ વિચારીને શરૂઆતમાં સામાજિક રીતે સમાધાન કરવાની તૈયારી બતાવી હતી. પરંતુ ભોગ બનનાર સગીરાએ સમાધાન કરવાથી ઇનકાર કરતા આખરે પિતાએ પોલીસની મદદ લેતા ખોખરા પોલીસે આરોપી યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
નોંધનીય છે કે આ પ્રકારની ઘટના કોઈ પ્રથમ વખત નથી બની આ રીતે અગાઉ પણ પિતરાઈ ભાઈ અથવા સાવકા પિતા દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવો કિસ્સો સામે આવી ચૂક્યો છે. પરંતુ આ પ્રકારનો બનાવ સમાજ માટે ચિંતાજનક છે. હાલ તો ખોખરા પોલીસે ફરિયાદ લઈને આરોપીને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે આરોપીની ધરપકડ બાદ અન્ય ખુલાસો સામે આવી શકે તેમ છે.









































