ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, તેના અનુસંધાને રથયાત્રાના રથને કલર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર માટે ત્રણ અલગ-અલગ રથ નવા બનાવવામાં આવે છે. આ ત્રણેય રથને કારીગરો કુદરતી રંગોથી રંગી રહ્યા છે.
કલર કામ કરનારા કારીગર જયકિશને જણાવ્યું હતું કે, રથયાત્રાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે, બે માસ પહેલાથી રથયાત્રાને લઈને કામગીરી પૂરજોશમાં શરૂ થઈ જાય છે. રથને કલર કરવાનું કામ એક મહિના પહેલા શરૂ થાય છે. દર વર્ષે રથનું કલર કામ કરવામાં આવે છે, અને જ્યારે રથયાત્રા નીકળે છે, ત્યારે જનમેદની બહુ જ વધારે હોય છે. એ સમયે રથને ડેમેજ થાય છે. જેના લીધે દર વર્ષે તેને સુધારવામાં આવે છે, અને રથનું રંગરોગાન કરવામાં આવે છે. રથના પૈડા ઘસાઈ ગયા હોય તો નવા પૈડા બનાવવામાં આવે છે. આ વર્ષે પણ નવા પૈડા બનાવવામાં આવ્યા છે. અત્યારે ૧૫-૨૦ દિવસથી અમે કામ કરી રહ્યા છે અને હજી દસ પંદર દિવસ સુધી કલર કામ ચાલશે.
જયકિશને વધુમાં જણાવ્યું હતું કે, રથ ઉપર જે કલર કરવામાં આવ્યું છે, તેનું ધાર્મિક રીતે અલગ અલગ મહત્વ હોય છે. જેમકે જગન્નાથજીના રથને પીળા કલર થી રંગવામાં આવે છે.જે સૂર્યનું પ્રતિક ગણાય છે. એવી રીતે બહેન સુભદ્રાના રથને લાલ કલરના રંગથી રંગવામાં આવે છે, જ્યારે ભાઈ બલભદ્રનો રથ લીલા કલરના હોય છે.
અહીંયા કલર કરવા માટે છ થી સાત કારીગરો કામ કરી રહ્યા છે. અમે આ કામ કરીને બહુ જ ખુશી અનુભવીએ છીએ. રથયાત્રા પૂર્વે પરંપરાગત જળયાત્રા આગામી જેઠ સુદ પૂનમના દિવસે યોજાશે. આ દિવસે સાબરમતી નદીના કિનારેથી કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. આ પવિત્ર જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. મહત્વૂપૂર્ણ છે કે, ઓડીશાના પુરી બાદ અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રા દેશની બીજી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે. આ રથયાત્રામાં ભાગ લેવા માટે ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાત સહિત દેશભરમાંથી લોકો આવે છે, અને ધન્યતાનો અનુભવ કરે છે.
૧૬ જુલાઈ ૨૦૨૬, ગુરુવારના રોજ અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા નીકળશે. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળશે.
ભગવાનની આ રથયાત્રા જૂના અમદાવાદના પરંપરાગત વિસ્તારો જેવા કે જમાલપુર ચકલા, આસ્ટોડિયા, રાયપુર, ખાડિયા, કાલુપુર, સરસપુર (મોસાળ), દરિયાપુર અને શાહપુર જેવા વિસ્તારોમાં ફરીને ફરી નીજ મંદિર પહોંચે છે.







































