ગત રાત્રિ શનિવારના રોજ અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જીલ્લામાં પેટ્રોલની અછતની અફવા ફેલાઈ હતી. જેને લઈ અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો જોવા મળી હતી. અફવાને પગલે લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ ભરાવવા માટે ઉમટી પડ્યા હતા. અને પેટ્રોલ પંપ ઉપર આશરે ૧ કિમી લાંબી લાઈનો જોવા મળી હતી.
ખાડી દેશ દ્વારા ભારતને ક્રૂડ આપવાની ના પાડવાની અફવા વાયુ વેગે ફેલાઈ હતી. અને જેને લઈ અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં લોકો પેટ્રોલપંપ પર એક સાથે પેટ્રોલનો સ્ટોક કરાવવા માટે ધસી આવ્યા હતા. અને પરિણામ સ્વરૂપ રાત્રિના સમયે પેટ્રોલ પંપ ઉપર ૧ થી બે કિમી જેવી લાબી લાઇનના દ્રશ્યો જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયામાં પણ આગામી ચાર દિવસ સુધી પેટ્રોલ ની સપ્લાય અટકી જશે તેવા વાઇરલ મેસેજ જોવા મળ્યા હતા. જેને લઈ લોકોએ પણ પોતાના વાહનોમાં પેટ્રોલ ટેન્ક ફૂલ કરાવવા માટે વિવિધ પેટ્રોલ પંપ ઉપર દોડી ગયા હતા. અને લાંબી લાઈનો લગાવી હતી. જેમાં અમદાવાદ શહેર સહિત આસ પાસના વિવિધ જિલ્લાઓમાં પણ લાંબી લાઈનો જોવા મળી હતી. તો પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો થતાં આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જમણા દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે પેટ્રોલ પંપ એસોશિએશન દ્વારા આ મેસેજ અને અફવા ખોટી અને વાહિયાત હોવાનું જણાવવામાં આવ્યું હતું. અને પેટ્રોલનો પૂરતો જથ્થો હોવાનું પણ જણાવ્યુ હતું. અને આવી ખોટી અફવા અને મેસેજ તરફ ધ્યાન નહીં આપવા જણાવ્યુ હતું.