શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાધે રેસિડન્સીમાં પાલતુ શ્વાને બાળકીને બચકાં ભરતા તેનું મોત નીપજ્યું છે. આ આખી કરૂણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ સ્થાનિક પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી છે. ગોઝારી ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ છવાયો છે. તે લોકોની એક જ માંગ છે કે, આ ઘટનામાં કડકમાં કડક સજા થવી જોઈએ.
અમદાવાદના હાથીજણ સર્કલ પાસેની રાધે રેસિડેન્સીમાં શ્વાને ચાર મહિનાની બાળકીને યુવતીના ખોળામાંથી ખૂંચવી લઈ બચકા ભર્યા હતા. ત્યાર બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. કોર્પોરેશનની ટીમ પણ ત્યાં તપાસ માટે આવી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, પાલતું શ્વાનનું કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એટલે આપણે પહેલા જોઈશું કે આ માલિકે પોતાના પાલતું શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં.
આ ગોઝારી ઘટના બાદ ત્યાં રહેતા લોકોનો રોષ ભભૂક્યો છે. સ્થાનિકોની એક જ માંગ છે કે, અમારી સોસાયટીમાં અમારે એક પણ શ્વાન ના જોઈએ. આ ઘટનામાં કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગ છે.
નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ ધ્રાંગધ્રામાં રખડતા શ્વાને પાંચ વ્યક્તિઓને બચકા ભરતા તમામને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. નરશીપરા વિસ્તારમાં રખડતા શ્વાને મહિલા સહિત રાહદારીઓ અને સ્થાનિકો સહિત અંદાજે પાંચ વ્યક્તિઓને બચકા ભર્યા હતા. આ તમામ પાંચેય વ્યક્તિઓને સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા પણ શ્વાન દ્વારા વાહન લઈને પસાર થતાં ચાલકો પાછળ છોડી બચકા ભર્યા હતા. ત્યારે વધુ એક વખત પાંચ વ્યક્તિને બચકા ભરવામાં આવતાં તંત્ર સામે નારાજગી જોવા મળી હતી.