નળ સરોવરમાં એક દુઃખદ ઘટના બની છે, જેમાં વિરમગામ તાલુકાના ધરજી ગામ નજીક નળ સરોવરમાં ન્હાવા ગયેલા એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. મૃતક યુવાનનું નામ દિનેશ પઢાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાય અને યુવાનના પરિવારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિનેશ પઢાર નળ સરોવરમાં ન્હાવા માટે ગયો હતો.આ દરમિયાન, તે અચાનક સરોવરના ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો અને તેને બગોદરા ખાતે આવેલી હોસ્પિટલમાં લઈ ગયા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના ડાક્ટરે તપાસ કર્યા બાદ દિનેશને મૃત જાહેર કર્યો. આ સમાચારથી યુવાનનો પરિવાર અને સ્થાનિક સમુદાય હતપ્રભ થઈ ગયો.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધો છે અને આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના અકસ્માત હોવાનું માનવામાં આવે છે, પરંતુ પોલીસ દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.










































