ગુજરાતમાં ચોમસાની એન્ટ્રીની સાથે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  જા કે કેટલાક જિલ્લામાં વરસાદ આફતરૂપ બન્યો છે, અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં પહેલા વરસાદે જ પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે. સેલા, ઘૂમા, બોપલ, સીલજ, નારોળ, બાપુનગર, નિકોલ જળમગ્ન બન્યા છે.  અમદાવાદમાં અનેક ઠેકાણે જળભરાવની સ્થિતિ જાવા મળી રહી છે. અમદાવાદના ગોપાલચોકમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણીના ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગોપાલ ચોકમાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં  છે.

ચોમાસાના પહેલા વરસાદમાં જ એએમસીનો પ્રિમોનસૂન પ્લાન ધોવાઇ ગયો છે. પ્રિમોન્સૂન પ્લાન ગઈકાલ રાતથી જ પાણીમાં ધોવાઇ ગયો છે. એએમસીની વાર્તાઓ આ વર્ષે પણ  પોકળ સાબિત થઇ છે. પહેલા ગટરીયા પાણી હવે વરસાદી પાણીથી  રોડ રસ્તા જળબંબાકાર થયા છે.  ગટર હોય કે વરસાદ પાણી નિકાલની ગોપાલ ચોકમાં કોઈ સુવિધા ન હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યાં છે.

હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે. રાજ્યના આઠ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે . અમદાવાદ શહેરમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આણંદ, ભરૂચમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. સુરેંદ્રનગર, ભાવનગરમાં બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. લો પ્રેશર સક્રિય થતા સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં છે.

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી અને ઉકળાટ બફારાનો અનુભવ  કરી રહ્યાં હતા. જા કે રાજ્ય પર ૪ સિસ્ટમ એકી સાથે એક્વીવ થતાં ચોમાસાને ગતિ મળતાં રાજ્યમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તાજેતરના અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલિતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે માત્ર ચાર કલાકમાં ૬ ઇંચ વરસાદ પડી ગયો જેમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને ઘરવખરીને નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ૧૯ જૂન સુધી સાર્વત્રિક વરસાદ રહેશે.