અમદાવાદ શહેરમાં એરપોર્ટ વિસ્તારમાં મંદિરેથી પરત ફરતા દંપતીની સોનાની ચેન લૂંટી બે લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા, દંપતીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં લૂંટારાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં સરદારનગરનાં નિવાસી સુશિલ જમતાણી પત્ની નેહા સાથે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે ઈન્દીરાબ્રિજ સર્કલ પાસે બે લૂંટારૂઓ બાઈક પર આવીને નેહાના ગળામાંથી સોનાનો દોરો ઝૂંટવી લીધો હતો. તેમજ સુશિલના ગળામાંથી પણ સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા. બંનેની સોનાની ચેનની કિંમત રૂપિયા ૧.૯૫ લાખ હતી. ડરી ગયેલા દંપતીએ એરપોર્ટ પોલીસમાં એફઆઇઆર નોંધાવી છે.
અગાઉ અમદાવાદ શહેરના રાયપુરમાં ધોળા દહાડે જ્વેલર્સનો કારીગર લૂંટાયો હતો. સરનામું પૂછવાના બહાને ઠગોએ ૧ કિલો સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. કાગડાપીઠ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. રાયપુર વિસ્તારમાં બે અજાણી વ્યક્તિઓએ સરનામું પૂછવાનાં બહાને યુવકને લૂંટી લીધો હતો. અશરફ જ્વેલર્સમાં ૧૯ વર્ષીય યુવક સોનું લાવવા લઈ જવાનું કામ કરતો હતો. દરમિયાન શનિવારે બે શખ્સોએ માણેકચોકથી યુવકને રોકી અજાણ્યા સ્થળનું સરનામું પૂછ્યું હતું. આ મામલે જ્વેલર્સના માલિકે કાગઠાપીઠ પોલીસમાં ફરીયાદ દાખલ કરી છે. પોલીસને સીસીટીવી કેમેરામાં પુરાવા ન મળતાં ફરિયાદી પર શંકા ઉઠી છે. કાગડાપીઠ પોલીસે નિવેદન આધારે તપાસ શરૂ કરી છે.








































