અમદાવાદથી સૌરાષ્ટ્રના જતાં એકઝિટ પોઈન્ટ ઉજાલા સર્કલ ઉપર ટેક્સીમાં મુસાફર બેસાડવા હોય તો સૃથાનિક લુખ્ખાઓને પેસેન્જરદીઠ ૧૦ રૂપિયા હપ્તો આપવો પડતો હતો. બે વર્ષથી ચાલતા હપ્તાખોરીના નેટવર્ક સામે ડેઈલી કેબ ચાલકોએ એસોસિએશન બનાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આઠ શખ્સો સામે ફરિયાદના પગલે સરખેજ પોલીસે પાંચ શખ્સોને તાબડતોબ પકડી પાડી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. સરખેજમાં રહેતા રસુલભાઈ રહેમાનભાઈ ઘાંચી ઉજાલા સર્કલના ઉપકાર કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવી ટ્રાવેલ્સનો વ્યવસાય કરે
છે.
તેમણે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, છેલ્લા બે વર્ષથી ઉજાલા સર્કલ ઉપર જાહેરમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરવા દેવાના બદલામાં સરખેજ ગામમાં રહેતા સંજય ભરવાડ (માસ્ટર), મનિષ પટેલ, ધવલ પટેલ, મનીષ પટેલનો ભાઈ, વિશાલ પટેલ, સંજય ભરવાડનો ભાણી નિખીલ ભરવાડ અને ભત્રીજા અભિષેક ભરવાડ અને હિતેષ ભરવાડ હપ્તા ઉઘરાવે છે.
ઉજાલા સર્કલ ખાતે આવતી ટ્રાવેલ્સની તમામ ગાડીઓના ડ્રાયવરો અને માલિકો પાસેથી ટ્રાવેલ્સના ફેરાદીઠ ૧૦૦થી ૨૦૦ રૂપિયા વારાફરતી વસુલવામા આવતા હતા. જા કોઈ ડ્રાઈવર રૂપિયા આપવાની ના પાડે તો માથાભારે શખ્સોનું આ જૂથ ડ્રાઈવર કે ગાડીના માલિકને ગડદા-પાટુનો માર મારી ધમકી આપતા હતા.
ડરના કારણે છેલ્લા બે વર્ષથી આ ટોળકીને ઉજાલા સર્કલથી મુસાફરો બેસાડતા વાહનો દ્વારા હપ્તો ચૂકવવામાં આવતો હતો. પરંતુ, વર્ષ ૨૦૨૦માં કોરોનાના કારણે ટ્રાવેલ્સનો ધંધો કરવામાં તકલીફ ઉભી થઈ હતી. ટ્રાવેલ્સવાળાઓએ હપ્તા આપવાનો ઈનકાર કરી દઈને આખરે એસોસિએશનની રચના કરી પ્રમુખ તરીકે રસુલભાઈ ઘાંચીને નીમવામાં આવ્યા હતા.
વીસેક દિવસથી હપ્તા આપવાનું બંધ કરવામાં આવતાં સંજય ભરવાડ (માસ્ટર) અને તેના સાગરિતો ડ્રાઈવર સાથે ઝગડો, મારકૂટ કરી રૂપિયા આપ્યા વગર પેસેન્જર ભરવા આવતા નહીં તેવી ધમકી આપતા હતા. તા. ૧૦ ડીસેમ્બરે સવારે આસીફ મહેબૂબભાઈ ઘાંચી નામનો ઈકો કેબનો ડ્રાઈવર પેસેન્જર ભરવા ઉજાલા સર્કલ પર ગયો હતો. આ સમયે ધવલ પટેલે આવીને ફેરાના ૨૦૦ રૂપિયા માગ્યા હતા.
આસિફ પૈસા આપવા ઈનકાર કરતાં ધવલ પટેલ દાદાગીરી કરી કેબમાંથી પેસેન્જર ઉતારવા લાગ્યો હતો. આસીફે વાંધો ઉઠાવતા ધવલે પટેલે સંજય ભરવાડ, મનીષ પટેલ, નીખિલ ભરવાડને બોલાવી લીધા હતા. આસીફને ગાળો આપી પેસેન્જર ઉતારી દીધા હતા. સંજય ભરવાડે બળજબરીથી ૨૦૦ રૂપિયા લઈ લીધા હતા અને આસિફને ગાડી સાથે ભગાડી મુક્યો હતો.
આ ઘટના અંગે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. સરખેજ પી.આઈ. એસ.જી. દેસાઈએ જણાવ્યું કે, મુખ્ય સુત્રધાર સંજય ભરવાડ ઉપરાંત અભિષેક ભરવાડ, નિખિલ ભરવાડ, મનિષ પટેલ અને હિતેષ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ત્રણ આરોપીની શોધખોળ ચાલી રહી છે.સરખેજના ઉજાલા સર્કલ ઉપર સ્થાનિક શખ્સોની ટોળકીની હપ્તાખોરી અંગે ફરિયાદ મળતાં ઝોન-૭ ડીસીપી પ્રેમસુખ ડેલુ ચોંકી ઉઠયા હતા. પોતાની સ્કવોડના પોલીસ કર્મચારીઓને ખાનગી ટેક્સીમાં મુસાફર હોય તેમ બેસાડીને રવાના કર્યાં હતાં. બીજા મુસાફર લેવા માટે ટેક્સી ઉજાલા સર્કલ ઉપર ઉભી રહી તે સાથે જ ઉઘરાણું કરવા ધસી આવેલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
ડીસીપીએ આક્ષેપો અંગે કૂનેહપૂર્વક ખરાઈની સાથોસાથ આરોપીઓને ત્વરિત ઝડપી લેવાનો માર્ગ અખત્યાર કર્યો હતો. જા કે, કાર્યવાહી થયા પછી સરખેજ વિસ્તારના એક ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ પૂર્વ કોર્પોરેટરના પતિદેવ પોલીસ ઉપર રાજકીય દબાણ લાવવા દોડી આવ્યા હતા.
અમદાવાદથી સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં ઉજાલા સર્કલથી ટેક્સી રવાના થાય છે. આ ટેક્સીચાલકો પાસેથી પેસેન્જરદીઠ ૧૦ રૂપિયાલેખે હપ્તા વસુલવામાં આવતાં હતાં. લુખ્ખાગીરી અને હપ્તાખોરી સામે અવાજ ઉઠાવવા એસોસિએશન બનાવવામાં આવ્યું તેમાં ૨૫-૩૦ સભ્યો છે તે મુસ્લિમ હતાં. એસોસિએશનના પ્રમુખને બોલાવી હિન્દુ-મુસ્લિમ વિવાદ થાય તેવું કરો છો? તેમ કહી ઉચ્ચ અધિકારીએ ધમકાવ્યા હતા.
જા કે, પ્રમુખે એવી રજૂઆત કરી કે, સાહેબ આ હિન્દુ-મુસ્લિમ વિવાદની વાત નથી. દરરોજનું કમાઈને ખાતા કેબચાલકો ઉપરાંત લકઝરી બસો, પ્રાઈવેટ ટેક્સી ઉભી રહે તો તેની પાસેથી પણ હપ્તા વસુલાય છે. દરરોજ આવા ૪૦૦ જેટલા વાહનો પાસેથી સરેરાશ ૫૦ રૂપિયા ગણાય તો પણ દરરોજના ૨૫-૩૦ હજાર રૂપિયા ઉઘરાવી લેવાય છે. આવી રજૂઆત સાંભળ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.