અમદાવાદમાં ગ્રાન્ટેડ શાળાઓને આપવામાં આવેલી સરકારી ગ્રાન્ટના હિસાબને લઈને મોટો મુદ્દો સામે આવ્યો છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા કરવામાં આવેલા ઓડિટ બાદ ૧૩૩ શાળાઓ પાસે કરોડો રૂપિયાની રકમ બાકી હોવાનું ખુલ્યું છે, જેને લઈને હવે સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તૈયાર કરાયેલા લિસ્ટ અનુસાર, શહેરની કુલ ૧૩૩ ગ્રાન્ટેડ શાળાઓ પાસે મળીને અંદાજે ૨ કરોડ ૯૧ લાખ રૂપિયાની રકમ સરકારમાં જમા કરાવવાની બાકી છે. આ તમામ શાળાઓને એકસાથે નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યો છે.
સામાન્ય રીતે શાળાઓને સરકાર તરફથી મળતી ગ્રાન્ટના હિસાબમાં લેણાં-દેણાં થાય છે, પરંતુ આ કેસમાં અનેક શાળાઓએ લાંબા સમયથી સરકારની રકમ પરત ન કરી હોવાનું સામે આવ્યું છે. અનેકવાર સૂચના આપવામાં આવી હોવા છતાં રકમ જમા ન થતાં હવે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ યાદીમાં સૌથી વધુ બાકી રકમ જય સોમનાથ શાળા (મણિનગર)ની હોવાનું સામે આવ્યું છે, જ્યાં લગભગ ૬૨.૫૫ લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે. તે ઉપરાંત શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ (આશ્રમ રોડ) પાસે પણ અંદાજે ૨૯.૭૯ લાખ રૂપિયાની બાકી રકમ છે. યાદીમાં એવી ૫ શાળાઓનો સમાવેશ થાય છે, જેઓએ ૧૨ લાખથી વધુની રકમ સરકારમાં જમા કરાવવાની બાકી રાખી છે.
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને અંતિમ નોટિસ આપીને પોતાનો ખુલાસો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. શાળાઓને રૂબરૂ કચેરીએ હાજર રહીને પુરાવા સાથે સ્પષ્ટતા કરવાની ફરજ પાડવામાં આવી છે. જા નોટિસ બાદ પણ રકમ જમા નહીં કરવામાં આવે, તો સંબંધિત શાળાઓની મિલ્કત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે જિલ્લાકલેક્ટરને પણ શાળાઓની યાદી મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે.