અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ૨૪૧ મુસાફરો સહિત અત્યાર સુધીમાં કુલ ૨૭૮ લોકોના દુઃખદ નિધન થયા છે. ત્યારે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે જમાલપુર ખાતે આવેલ પાલડી મેઉ અખાડાના કિન્નર સમાજ દ્વારા મૌનવ્રત અને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
અમદાવાદના આ કિન્નર અખાડાનું સંચાલન કામિની દે કશિશ દે પાવૈયા કરે છે. ૧૨ જૂનના દિવસે બનેલી ઘટના વિશે તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “૧૨ તારીખે અમદાવાદમાં બનેલી આ ઘટના ખૂબ જ દુઃખદાયક છે. અને તેના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર ગુજરાતનાં બધા જ કિન્નર સમાજ આજે અહીં ભેગા થયાં છીએ. ગુજરાતનાં અલગ અલગ ગામ અને જિલ્લાના કિન્નરો અહીં એકત્રિત થયાં છે. શોક મનાવવા માટે બધા કિન્નરો કાળા પોશાક પહેરીને અહીં આવેલા છે. અમારી ઈશ્વરને એ જ પ્રાર્થના છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની આત્માને પ્રભુ શાંતિ આપે. અને તેમના પરિવારજનોને આ દુઃખદ ઘટનાનો સામનો કરવાની હિંમત આપે.
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિશે વાત કરતા તેમણે કહ્યું કે, “વિજયભાઈ રૂપાણી ગુજરાતનાં સાચા હીરા હતાં. તેઓએ પુરી ઈમાનદારી સાથે ખૂબ સારૂં કામ જનતા માટે કર્યું હતું. તેમના અવસાનથી કિન્નર સમાજ ખૂબ દુઃખી છે.”
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં બધા જ કિન્નરો દ્વારા કાળા પોશાકમાં કેન્ડલ માર્ચ સાથે ઓમકાર કરવામાં આવ્યો હતો. સાથે જ મૌન પાળવામાં આવ્યું હતું. આ સિવાય બધાએ ભેગા થઈ ઈશ્વરને પ્રાર્થના પણ કરી હતી. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર જનો માટે મદદ કરવા તૈયારી દર્શાવી છે. તેમજ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિમાં કિન્નર સમાજ મદદ માટે ખડેપગે ઉભો છે.
નોંધનીય છે કે, ૧૨ જૂને બનેલી ગોઝારી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં ૨૪૧ મુસાફરો સહિત ૨૭૮ થી વધુ લોકોનું નિધન થયું છે. તમામ મૃતદેહોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં ડીએનએ સેમ્પલ મેચિંગ કર્યા બાદ તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે.