કંપનીના ઓપરેશન મેનેજરની ફરિયાદને આધારે પોલીસે ડીલીવરી બોય, પીએ તેમજ અન્ય એક મજૂરની ધરપકડ કરી

અમદાવાદમાં એમેઝોન કંપની સાથે એક અલગ પ્રકારની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નારોલ વિસ્તારમાં એમેઝોન કંપની ના ડીલીવરી ડીસ્ટ્રબ્યુટર વેલેન્સ લોજિસ્ટક પ્રાઇવેટ લિમિટેડના ઓપરેશન મેનેજર દ્વારા નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદમાં કંપની દ્વારા પોતાના જ માણસો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં વેલેક્સ લોજિસ્ટકમાં કામ કરતા ડીલેવરી બોય, ડ્રાઇવર, પીએ સહિત નવ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે. જ્યારે તપાસમાં વધુ બે લોકોના નામ ખુલતા પોલીસે ૧૧ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
વેલેક્સ લોજિસ્ટક દ્વારા ફરિયાદ નોંધાવાઇ છે જેમાં પોતાના અલગ અલગ માણસો એમેઝોન એપ દ્વારા ટીવીનો ઓર્ડર આપતા હતા, જે ઓર્ડરના આધારે એમેઝોન કંપની વેલેનક્સ લોજિસ્ટકને નવું ટીવી પેક કરી ડિલિવર માટે ઓર્ડર આપતું હતું. જે બાદ વેલેકસ લોજિસ્ટક કંપની માંથી નવું ટીવી લઈને ડીલેવરી મેન ડિલિવરી કરવા જતા હતા. જે સમયે નવા ટીવી નું પેકેજ ખોલી તેમાં જે તે કંપનીનું જૂનું ટીવી મૂકી નવું ટીવી પોતે રાખી લેતા હતા. ત્યારબાદ ફરીથી આ બોક્સને પેક કરી દેતા હતા.
જે બાદ એમેઝોન પર આપેલા ઓર્ડરને કેન્સલ કરી દેતા હતા અને ફરીથી આ જૂનું ટીવી કંપનીના ગોડાઉનમાં મૂકી દેતા હતા. જાકે છેલ્લા થોડા સમય થી અનેક વખત આ પ્રમાણે થતાં કંપનીને શંકા જતા તેણે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.
પોલીસે ત્રણ આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, નવા જુના ટીવી લે-વેચનો ધંધો કરતા મોહમ્મદ ઇમરાન તથા મોહસીન હુસેન નામના બે લોકો ડિલિવરી બોય અને અન્ય લોકોના સંપર્કમાં આવ્યા હતા. બંને લોકો પોતાની પાસે રહેલા જૂના અને બંધ ટીવી કંપનીના માણસોને આપતા હતા અને નવું ટીવી પોતે ખરીદી લેતા હતા. અત્યાર સુધીમાં કંપનીના માણસો અને અન્ય લોકોએ મળીને ઓગસ્ટ ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૩ ના સમયગાળામાં કુલ ૧૪૭ નવા ટીવીની જગ્યાએ જુના ટીવી રાખી ઓર્ડર કેન્સલ કરેલા હતા. જેની અંદાજિત કિંમત ૯૭ લાખથી પણ વધુ થતી હતી.
કંપનીના ઓપરેશન મેનેજરની ફરિયાદને આધારે પોલીસે ડીલીવરી બોય, પીએ તેમજ અન્ય એક મજૂરની ધરપકડ કરી છે. જ્યારે હજી પણ આઠ લોકોની શોધખોળ પોલીસે હાથ ધરી છે. હાલતો પ્રાથમિક તપાસ દરમિયાન કુલ ૧૪૭ ટીવીની અદલાબદલી થઈ હોવાનું સામે આવ્યું છે. પરંતુ હજી પણ આ આંકડો વધી શકે તેવી શક્યતા પોલીસને દેખાઈ રહી છે.