શહેરના બહેરામપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી અંદાજમાં લાઇવ રેડ કરીને બે ડ્રગ્સ પેડલરને ઝડપી લીધા છે. આરોપીઓ સંતોષનગર ચાર માળીયા પાસે ખુલ્લેઆમ એક્ટીવા પર ફરીને પ્રતિબંધિત એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. બનાવની જાણ થતા જ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી બન્ને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત જાઇએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે શહેરના બહેરામપુરા વિસ્તારમાં સંતોષનગર ચાર માળીયા પાસે એક્ટીવા પર કેટલાક શખ્સ ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ જ્યારે ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળ્યા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક રેડ કરી બે લોકોને રંગેહાથ ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ હસમુખ જસિંગભાઇ સરગરા અને મનિષ રમણલાલ સરગરા તરીકે થઇ છે. બન્ને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી માત્ર નશીલા પદાર્થ જ નહીં પણ મોબાઇલ ફોન, રોકડ રકમ અને એક્ટીવા વાહન સહિત કૂલ અંદાજે ૧.૯૮ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
આ ઘટનાને લઇને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આઇ.એન.ઘાસુરાએ જણાવ્યું હતું કે, “પકડાયેલા બન્ને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને હાલ બહેરામપુરા વિસ્તારમાં રહે છે. તેઓ ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા જ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કૂલ ૫૨.૪૧૦ ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૧.૫૭ લાખથી વધુ થાય છે. હાલ પૂછપરછ ચાલી રહી છે કે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાના હતા.ક્રાઇમ બ્રાન્ચે બન્ને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને સમગ્ર ડ્રગ્સ નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે.