અમદાવાદ શહેરમાં આવતા દિવસોમાં બે મોટા તહેવારો – ઈદ અને ગણેશ વિસર્જન – એક સાથે આવી રહ્યા છે. બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે શહેર પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા પોલીસે જણાવ્યું કે શહેરના દરેક વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો કડક બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં પોલીસ દળની સાથે ૧૫ એસઆરપીની કંપનીઓ અને એક સીઆરપીએફની કંપની તૈનાત કરવામાં આવી છે. આ વધારાની ફોર્સ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં દેખરેખ રાખશે. સાથે જ સ્થાનિક પોલીસ સ્ટાફને પણ સતત મેદાનમાં રહેવા સૂચના આપવામાં આવી છે.ગણેશ વિસર્જનને લઈને પણ ખાસ નિયમો ઘડવામાં આવ્યા છે. જીએસ મલિક, પોલીસ કમિશનર દ્વારા જણાવાયું છે કે તમામ ગણેશજીનું વિસર્જન રાત્રિના ૧૦ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવું ફરજિયાત રહેશે. આ માટે શહેરના અલગ-અલગ વિસર્જન સ્થળોએ પોલીસની ટીમ તૈનાત રહેશે. ટ્રાફિક વ્યવસ્થા સરળ રહે અને કોઈ પણ પ્રકારની ગડબડ ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસને પણ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.ઈદના તહેવાર દરમિયાન નમાજ અદા કરવા માટે મોટી સંખ્યામાં લોકો મÂસ્જદોમાં ભેગા થશે. આ સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મસ્જીદની આસપાસ પણ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં પોલીસે વિશેષ નજર રાખવાની તૈયારી કરી છે.શહેરના સમગ્ર બંદોબસ્ત પર ડીસીપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ચાંપતી નજર રાખશે. સાથે જ આધુનિક તકનીકનો પણ ઉપયોગ થશે, જેમાં ડ્રોન કેમેરાથી સંવેદનશીલ વિસ્તારો અને વિસર્જન સ્થળોની દેખરેખ રાખવામાં આવશે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા અને મોબાઇલ પેટ્રોલિંગ ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. નાગરિકોએ પણ પોલીસને સહકાર આપવા અને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી છે.









































