સામાન્ય રીતે દારૂનું વેચાણ કરતા બુટલેગરોને પકડવાની જવાબદારી પોલીસની હોય છે. પરંતુ જો કોઈ પોલીસ કર્મચારી દારૂના ધંધામાં જોડાઈ જોય તો આરોપીઓને કોણ પકડશે એ મોટો સવાલ છે. આ પહેલી વાર નથી કે, કોઈ પોલીસ દારૂ સાથે પકડાયો છે આ પેહલા પણ અનેક પોલીસ કર્મચારીઓ દારૂ સાથે પકડાઈ ગયા છે. અમદાવાદના ઇગલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજોવતા એક પોલીસ કર્મચારી આ વખતે દારૂની હેરાફેરી કરતા પકડાઈ ગયો છે.
ઇગલ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા ટ્રાફિક જવાન વસંત પરમાર ૨૭ દારૂની અલગ અલગ બ્રાન્ડ સાથે પકડાઈ જતા પાલડી પોલીસે કાર્યવાહી કરી છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો, પાલડી પોલીસને માહિતી મળી હતી કે, એક વ્યક્તિ જે એકટીવા લઈને પરિમલ અન્ડરબ્રિજથી સુવિધા ચાર રસ્તા થઈને સુમેરુ કોમ્પ્લેક્ષ થઈને જૈન નગર તરફ જવાનો છે. જે માહિતીના આધારે પાલડી પોલીસ પેહલાથી વોચ ગોઠવી હતી અને વસંત પરમાર ત્યાં આવતા તેને રોકીને તપાસ કરી હતી. તેણે પેહલા પોતાની ઓળખ પોલીસ તરીકે આપી. પાલડી પોલીસે આરોપીના વાહનની આગળ રહેલી એક બેગ ચેક કરી તો તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ ૨૭ બોટલો મળી આવી અને જે બાદ પાલડી પોલીસે આરોપીની ધરપકડ કરી ને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ દારૂનો જથ્થો તેને કોણે આપ્યો અને આ દારૂ કોણે આપવા જવાનો હતો તે પણ તપાસનો વિષય છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, આ પોલીસકર્મી છેલ્લા કેટલા સમયથી આ રીતે દારૂના વેપાર સાથે જોડાયેલો છે. હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
થોડા સમય પહેલા અરવલ્લી જિલ્લામાં પણ આવો જ એક બનાવ બન્યો હતો. એક પોલીસ જ બુટલેગર બનીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો. અરવલ્લી પોલીસે કાર્યાવાહી કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. હિંમતનગરના એ-ડિવિઝનમાં ફરજ બજોવતો પોલીસકર્મી વિદેશી દારૂ સાથે ઝડપાયો હતો. ભિલોડા પોલીસે ટાકાટૂંકા પાસેથી બુટલેગર પોલીસકર્મીને ઝડપ્યો હતો. દારૂ ભરેલી કાર લઈને નાસી છૂટેલા બે અન્ય આરોપીઓ ધનસોર પાસે કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસમાં ફરજ બજોવતો કર્મી જ બુટલેગર બનીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો. ભિલોડા પોલીસે કાર સહિત ૪.૫૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.