આગામી અષાઢી બીજ એટલે કે ૧ જુલાઈના રોજ ભગવાન જગન્નાથની ૧૪૫મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કહેવત છે કે “મગ ચલાવે પગ” રથયાત્રામાં મગના પ્રસાદનું અનેરું મહત્વ છે. દરેક ધાન્યમાં સૌથી શ્રેષ્ઠ ધાન્ય તરીકે મગ છે. રથયાત્રામાં જતા શ્રદ્ધાળુઓ રથ ખેંચતા હોય ત્યારે ચાલવા માટે શક્તિની જરૂર પડે છે જેથી પ્રસાદ રૂપે મગ આપવામાં આવતા હોય છે. રથયાત્રામાં મગના પ્રસાદ માટે લોકો પોતાની શક્તિ મુજબ મગનું દાન કરે છે. જમાલપુર મંદિરમાં રથયાત્રા પહેલા અત્યારથી જ લોકો ૧૦૦ ગ્રામથી લઈને ૧૦ કિલો, ૨૦ કિલો મગનું દાન આપી રહ્યા છે.
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે, વર્ષોથી પરંપરા મુજબ મગ, જાંબુ, કેરી અને દાડમનો પ્રસાદનો મહિમા રહેલો છે. જેથી લોકો યથાશક્તિ મુજબ પોતાની શ્રદ્ધાથી હજારો કિલો મગનું દાન કરે છે. સો ગ્રામથી લઈને મગની બોરીઓ મૂકી જાય છે. આ મગને પહેલા સાફ કર્યા બાદ ફણગાવીને રથયાત્રાના દિવસે પ્રસાદ રૂપે આપવામાં આવે છે. રથયાત્રામાં દરેક ટ્રકમાં મગનો પ્રસાદ આપવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ મગને મહત્વની ઔષધિ માનવામાં આવે છે અને કઠોળમાં મગ રાજા ગણાય છે. જેથી મગના પ્રસાદનું અનેરું મહ¥વ રહેલું છે.
રથયાત્રામાં હજારો કિલો મગના પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. રથયાત્રાના ૧૦ દિવસ પહેલા લોકો મગ મૂકી જતા હોય છે અને બહેનો મગને સાફ કરીને રાખે છે. ગત બે વર્ષ કોરોનાના કારણે રથયાત્રા નીકળી ન હતી, જેના કારણે લોકોને મગના પ્રસાદનો લ્હાવો મળી શક્યો ન હતો. પરંતુ આ વર્ષે લોકો શ્રદ્ધાથી ભગવાનના પ્રસાદ માટે મગનું દાન કરી રહ્યાં
છે. આ વર્ષે રથયાત્રામાં લાખો લોકો જાડાશે અને લોકોને મગનું પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવશે. આ વર્ષે ૨૫થી ૩૦ હજાર કિલો મગ, ૪૦૦ કિલો કેરી, ૨૦૦ કિલો જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવશે.