સોલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતી ૧૭ બાંગ્લાદેશી મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલી મહિલાઓ છૂટક મજૂરીની સાથે દેહ વ્યાપારમાં પણ જાડાઈ હોવાનું સામે આવ્યું છે. અહીં મહત્વનું છે કે તમામ મહિલા બાંગ્લાદેશીઓ પાસેથી તેમના પુરાવા પણ મળી આવ્યા છે, જેને લઈ પોલીસે તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. દેશભરમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો વિરુદ્ધ તાજેતરમાં જ શહેર અને રાજ્ય પોલીસે ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં સંખ્યાબંધ વિદેશી નાગરિકો કે જેઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા. તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ શહેરમાં હજી પણ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો મળી આવે છે. તેવામાં શહેરના સોલા વિસ્તારના ચાંદલોડિયા, કબુતરખાના, ગોતા હાઉસિંગ, ચાણક્્ય એપાર્ટમેન્ટ અને શિવશક્તિ સોસાયટીમાંથી કુલ ૧૭ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે. મહિલાઓની પૂછપરછ કરતા તેઓ છૂટક મજૂરીની સાથે દેહ વ્યાપાર પણ કરતી હોવાનું સામે આવ્યું છે, જેને લઇ સોલા પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું કે ૧૦ દિવસથી લઈને ૪ વર્ષથી આ મહિલાઓ ગેરકાયદે વસવાટ કરતી હતી. ઝડપાયેલ ૧૭ બાંગ્લાદેશીઓની ધરપકડ બાદ પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, બાંગ્લાદેશના એજન્ટ મારફતે માત્ર ૫ હજારમાં જ ભારતમાં ગેરકાયદેસર એન્ટ્રી મેળવી લેતા હતા. જે બાદ રાજ્યના અલગ અલગ ખૂણે પહોંચી ગેરકાયદેસર વસવાટ કરતા હતા.પોલીસે તપાસ કરતા તમામ મહિલાઓ પાસેથી તેમના બાંગ્લાદેશી ઓળખ કાર્ડ પણ મળી આવ્યા છે. સાથે જ આઇએમઓ નામની મોબાઇલ એપ્લીકેશન પણ મળી આવી છે જેના થકી તેઓ બાંગ્લાદેશ સંપર્કમાં રહેતા હતા. અહીં મહત્વનું છે કે પોલીસે આ તમામ મહિલાના કોઈ બોગસ ડોક્્યુમેન્ટ બન્યા છે કે કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરી છે. મહિલા બાંગ્લાદેશીઓની ધરપકડ બાદ તેમને અમદાવાદ લાવનાર એજન્ટોની પણ તપાસ પોલીસે શરૂ કરી છે. સાથે જ ભાડે મકાન આપી ભાડા કરાર અને પોલીસ નોંધણી ન કરાવનાર પાંચ મકાન માલિકો વિરુદ્ધ પણ પોલીસે જાહેરનામા ભંગના ગુના નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે ગેરકાયદેસર વસવાટનું આ નેટવર્ક કેટલું મોટું સામે આવે છે અને તેના તાર કોની કોની સાથે જાડાયેલા હોવાનું સામે આવે છે તે જાવું મહત્વનું છે.








































