આઇપીએલ ૨૦૨૬ની સિઝન ચાલી રહી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં આવેલા મેમનગર લેક પાસેના એક એપાર્ટમેન્ટમાં ધમધમતા ક્રિકેટ સટ્ટાના રેકેટને ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે(૩ એપ્રિલ) મોડી રાત્રે ઝડપી પાડ્યું છે. પોલીસે આ દરોડામાં ૬ શખસોની ધરપકડ કરી છે, જેઓ ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ દ્વારા લાખોનો જુગાર રમાડતા હતા.
ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મેમનગર તળાવ સામે આવેલા ‘આનંદ પાર્ક એપાર્ટમેન્ટ’ના એક ફ્લેટમાં આઇપીએલની મેચ પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ૩ એપ્રિલની રાત્રે ૧૧ઃ૧૫ વાગ્યે પોલીસે વોરંટ સાથે દરોડો પાડ્યો હતો. તે સમયે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાતી લાઈવ મેચ પર આરોપીઓ હાર-જીતનો જુગાર રમતા ઝડપાયા હતા.
જે ૬ શખસોની ધરપકડ કરાઇ છે તેમાં – કપિલ ઉર્ફે ચિરાગ ઠક્કર (ઉં.વ.૨૪, રહે. ચાંદલોડિયા),- અભય પ્રવીણભાઈ ઠક્કર (ઉં.વ.૩૦, રહે. મેમનગર)- યશકુમાર મહેશકુમાર અખાણી (ઉં.વ.૩૦, રહે. મેમનગર)- મીત પ્રકાશભાઈ જયસ્વાલ (ઉં.વ.૨૫),- કલ્પેશભાઈ ટેકચંદભાઈ ઠક્કર (ઉં.વ.૩૫),- ધ્રુવ દિલીપભાઈ ઠક્કર (ઉં.વ.૨૭)નો સમાવેશ થયા છે આ તમામ આરોપીઓ ખાનગી નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની હોવાનું ખૂલ્યું છે.
આરોપીઓ નવી વિદેશી વેબસાઇટ્‌સ અને એપ્લિકેશન પર મલ્ટીપલ યુઝર આઈડી બનાવીને ભાવ-તાલ જાઈ સટ્ટો લગાવતા હતા. પોલીસને તપાસમાં આ બેટિંગ એકાઉન્ટ્‌સમાં મોટા પ્રમાણમાં વર્ચ્યુઅલ બેલેન્સ પણ મળી આવ્યું છે, જે સતત ચાલતી જુગારની પ્રવૃત્તિ સૂચવે છે.
મોબાઈલ અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તેમાં ૧૬ મોબાઈલ ફોન (કિંમત રૂ.૨.૧૦ લાખ),૫૦,૧૧૦ રોકડ રકમ,અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો મળી કુલ રૂ.૩.૧૦ લાખનો મુદ્દામાલ.
પૂછપરછમાં બહાર આવ્યું છે કે, અભય ઠક્કર અને યશકુમાર અખાણીએ ભાડે રાખેલા આ ફ્લેટમાં તેઓ આઇપીએલ પર સટ્ટો રમવા ભેગા થયા હતા. આ નેટવર્ક પાછળ સાયન્સ સિટીના કિશન ઠક્કર, પાટણના રોનક ઠક્કર અને અમદાવાદના દીપ ઠક્કર નામના મોટા માથાઓની સંડોવણી પણ ખૂલી છે, જેઓ બેટિંગ આઈડી સપ્લાય કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ તમામ વોન્ટેડ આરોપીઓને પકડવા અને સટ્ટાના આ મસમોટા નેટવર્કને તોડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.